સિટીબસોના પ્રવાસીઓને વેક્સિન લઈ લેવા સમજાવાયા


ફરજિયાત વેક્સિન અંગે મેયરની જાહેરાતથી થયેલા વિવાદ બાદ

બસમાં ચડીને કર્મચારીઓએ વેક્સિનના ફાયદાઓ અંગે ટૂંકા પ્રવચનો કર્યા

અમદાવાદ : અમદાવાદમાં એએમટીએસની સિટીબસોમાં પ્રવાસ કરતાં લોકોએ કોરોના વિરોધી વેક્સિન ફરજિયાત પણે લીધેલી હોવી જોઈએ તે મતલબના ગઈકાલે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીએ કરેલા બફાટ બાદ ઉહાપોહ થતાં 'યુ'ટર્ન મારવાની ફરજ પડી હતી. દરમ્યાનમાં આજે એએમટીએસની બસોમાં પ્રવાસ કરતાં લોકોને કર્મચારીઓએ વેક્સિનની અગત્યતા સમજાવી, તમામને વેક્સિન લઈ લેવા અનુરોધ કર્યો હતો.

ગઈકાલે 'ફરજિયાત' શબ્દ પ્રયોગનો વિવાદ થતાં તુરત જ સ્પષ્ટતા કરતી બીજી પ્રેસનોટ બહાર પાડવી પડી હતી. જેમાં તમામ વેક્સિન લઈ લે તે જરૂરી હોવાનો અનુરોધ કરાયો હતો. કોઈએ તૈયાર કરેલી પ્રેસનોટ જેમની તેમ વાંચી જતાં આ છબરડો સર્જાયો હોવાનું કહેવાય છે.

દરમ્યાનમાં આજે બે પેસેન્જરની સીટમાં એક જ પેસેન્જર બેસે તે રીતની સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા ગોઠવણ કરાઈ હતી. ત્યારબાદ બસમાં અધિકારી કે કર્મચારી ચડીને પ્રવાસીઓને કહેતા હતા કે, કોરોનાની ત્રીજી લહેરની ભીતિ છે, ત્યારે તમે બધાં વેક્સિન લઈ લો તે અત્યંત જરૂરી છે. કેટલાએ વેક્સિન લીધી છે તમ કહી આંગળી ઉંચી કરાવતા હતા.

બાદમાં બધા પાસે બોલાવતા કે હું વેક્સિન લઈને કોરોનાના કેરને રોકવામાં સહભાગી થઈશ. વેક્સિન માટે ઠેર ઠેર કેન્દ્રો ઉભા કરાયા છે અને હવે આગોતરા ઓનલાઈન રજીસ્ટ્રેશનની પણ જરૂર નથી, તેમ પણ સમજાવવામાં આવયું હતું. લોક જાગૃતિ માટે આ પ્રયાસ સારો હોવાની છાપ ઉભી થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે નાગરિકો સ્વયંશિસ્ત પામે તો જ કોરોનાની ત્રીજી લહેરને આવતી રોકી શકાશે, તે સત્ય ડોક્ટરો અને તજજ્ઞાો વારંવાર સમજાવે છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gVqCB7
via IFTTT

Post a Comment

Previous Post Next Post