અમદાવાદ,તા.24 જૂન 2021, ગુરૂવાર
પૂર્વ અમદાવાદમાં આજે ગુરૂવારે બપોર બાદ કેટલાક વિસ્તારમાં વરસાદ પડયો હતો. જેમા ચકૂડિયા વિસ્તારમાં અડધો ઇંચ વરસાદ પડી ગયો હતો. વિરાટનગરમાં ૬ મિ.મી., વટવામાં ૭ મિ.મી., વરસાદ થયો હતો. જ્યારે રામોલ, ઓઢવ, દાણાપીઠ, દૂધેશ્વર, મેમ્કો, મણિનગરમાં વરસાદી છાંટા પડયા હતા. જ્યારે બાકીના વિસ્તાર કોરાધાકોર રહ્યા હતા.
છેલ્લા બે દિવસથી વરસાદે ખમૈયા કર્યા બાદ આજે પૂર્વમાં કેટલાક વિસ્તારમાં વરસાદે અમી છાંટણા કર્યા હતા. અમદાવાદમાં આજે ૩૨.૮ ડિગ્રી ગરમી નોંધાઇ હતી. જેમાં બફારા, ઉકળાટથી પરેશાન લોકોને વરસાદમાં થોડી રાહત મળી હતી. બપોરે ૧ વાગ્યા બાદ અચાનક આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા. અને પવનના સૂસવાટા સાથે કઠવાડા, ઓઢવ, રખિયાલ, વટવા સહિતના વિસ્તારમાં વરસાદ પડયો હતો. જ્યારે બાકીના વિસ્તારોમાં વરસાદ પડયો નહોતો.
ઓચિંતો વરસાદ પડી જતા કે રેઇનકોટ સાથે લીધા વગર કામ-ધંધે ઘરની બહાર નીકળેલા મોટાભાગના લોકો વરસાદમાં પલળી ગયા હતા. પંદરેક મિનિટમાં તો કેટલાક વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. નિકોલ, નરોડા, કોતરપુરમાં વરસાદ પડયો નહોતો.
વરસાદી પાણીની સાથે કેટલાક વિસ્તારોમાં ગટરના પાણી પણ ઉભરાયા હતા. જેથી રાહદારીઓએ હાલાકી ભોગવવી પડી હતી. તૂટેલા રોડમાં પાણી ભરાઇ જતા વાહનચાલકો તેમાં પટકાયા હતા. ખાડા-ખાબોચિયા સત્વરે પુરવાની લોકો માંગણી કરી રહ્યા છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dfmlWQ
via IFTTT
Post a Comment