પાયલ રોહતગીએ સોસાયટીના સભ્યોને અભદ્ર મેસેજ કરતા હોબાળો


ચેરમેનને જાનથી મારવાની ધમકી આપી

વધારે બાળકો ધરાવતા સભ્યોને ઉદ્દેશીને વિડિયો બનાવી ફેમિલી પ્લાનિંગ વિશે વિચારતા ન હોવાનો ઉલ્લેખ કર્યો 

અમદાવાદ : સેટેલાઈટમાં સુદરવન એપીટોમ ખાતે રહેતી બોલીવુડ અભિનેત્રી પાયલ રોહતગીએ સોસાયટીના ચેરમેન સાથે બિભત્સ વાત કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તે સિવાય સોસાયટીના વોટ્સએપ ગુ્રપમાં સભ્યો વિશે ખોટા મેસેજ કરીને ઈન્સ્ટાગ્રામ પર વિડીયો પણ અપલોડ કર્યો હતો. આ અંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે પાયલ રોહતગીની અટક કરી હતી 

સેટેલાઈટમાં સુંદરવન એપીટોમમાં રહેતા ડો.પરાગભાઈ એસ.શાહ આનંદનગરમાં આંખની હોસ્પિટલ ધરાવે છે અને સુંદરવન એપીટોમ સોસાયટીના ચેરમેન છે.  આ સોસાયટીમાં શશાંક રોહતગી તેમની પત્ની અને તેમની દિકરી પાયલ રોહતગી પણ રહે છે. 

20 જુનના રોજ સોસાયટીની એ.જી.એમ.મિટીંગમાં પાયલ સભ્ય ન હોવાછતા મિટીંગમાં આવી હતી.આથી પરાગ શાહે ફ્લેટ તમારા માતાપિતાના નામે છે અને તમારા માતા હાજર છે તમે વચ્ચે ન બોલશો તમારી કોઈ જરૂર નથી, એમ કહ્યું હતું. 

આથી ઉશ્કેરાયેલી પાયલે બિભત્સ ભાષામાં વાત કરીને પરેશભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તે સિવાય સોસાયટીના સભ્યોને ડરાવવા વિડીયો રેકોર્ડિંગ કરવા લાગી હતી.બાદમાં તે ગાળાગાળી કરીને જતી રહી હતી.

દરમિયાન સોસાયટીના વોટ્સએપ ગુ્રપમાં પાયલે બિભત્સ અને અભદ્ર મેસેજ કર્યા હતા. જેમાં તેમણે ટકોર કરતા તેણે મેસેજ ડિલીટ કરી નાંખ્યા હતા.તે સિવાય છેલ્લા માર્ચ મહિનાથી ઈન્સ્ટાગ્રામ ટીમ પાયલ રોહતગી ઉપર સોસાયટીના સભ્યો વિશે ખોટા મેસેજ મુક્યા હતા.

જેમાં સોસાયટીના જે સભ્યને ચાર પાંચ બાળકો હોય તે બાબતે ઈન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવીને અપલોડ કર્યો હતો. જેમાં હિન્દી ભાષામાં બોલતી હતી કે ફેમીલી પ્લાનીંગ નથી કરતા, અમારી સોસાયટીના અમુક સભ્યો ફેમિલી પ્લાનિંગ બાબતે વિચારતા નથી એવો ઉલ્લેખ કર્યો હતો.

ઉપરાંત ચેરમેનબાબતે પણ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે હમારી સોસાયટી કા જો ચેરમેન હે વો ગુડાગીરી કરતા હે કહીને ઉશ્કેરણીજનક પોસ્ટ કરી હતી. સોસાયટીના સભ્ય જયેશ રાવલ વિશે તેણે લખ્યું હતું કે જયેશ રાવલ કરકે કોઈ ડોક્ટર ગુંડે કી તરહ ચિલ્લા રહા થા કે બિચારા પાગલ ન હો જાય મેરી વજહ સે. તે સિવાય સોસાયટી ગેરકાયદેસર હોવાનું લખાણ પણ લખ્યુ હતું.

પાયલ સોસાયટીના અન્ય સભ્યોને અવારનવાર ખોટા કેસમાં ફસાવીને જેલ ભેગા કરવાની ધમકી આપતી હતી. સોસાયટીમાં રમતા બાળકોને અહીં ન રમવા કહીને રમશો તો ટાંટીયા ભાંગી નાંખીશ, કહીને ધમકી આપતી હતી. તે ટ્વીટર પર ઉશ્કેરણીજનક મેસેજ મુકતા ટીવીટરે પણ તેના એકાઉન્ટને બ્લોક કરી દીધી હતી.

અગાઉ સોશિયલ મિડીયામાં ઉશ્કેરણીજનક ગુનાહિત વિડીયો મુકવા બદલ રાજસ્થાન પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. આમ સુદરવન એપીટોમ સોસાયટીના સભ્યો અને બાળકો ઘરની બહાર નીકળતા ડરે છે કે તેમનો પણ વિડીયો બનાવીને વાયરલ કરી દેવાશે. જેને પગલે ચેરમેન પરાગભાઈ શાહે પાયલ રોહતગી વિરૂધ્ધ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની અટક કરી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gWUe0R
via IFTTT

Post a Comment

Previous Post Next Post