
અમદાવાદ, મંગળવાર,29,જુન,2021
શહેરના મધ્યઝોનમાં આવેલા દરીયાપુર વોર્ડમાં આવેલી લખોટા પોળમાં મંગળવારે સવારે ગ્રાઉન્ડ ફલોર ઉપરાંત એક માળનું જર્જરીત મકાન ધરાશાયી થતાં મકાનના કાટમાળમાં દટાયેલા એક જ પરીવારના ત્રણ લોકોને ફાયર વિભાગ દ્વારા સલામત બહાર કાઢી ઈજાગ્રસ્તોને સારવાર માટે એસ.વી.પી.હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.આ પરીવારની બે નાની દિકરીઓ આ ઘટના સમયે મદરેસા ગઈ હોવાથી તેમનો પણ બચાવ થયો હોવાનું ફાયર વિભાગના સૂત્રોમાંથી જાણવા મળે છે.
આ અંગે ફાયર વિભાગ તરફથી મળતી માહીતી અનુસાર,દરીયાપુરના ચારવાટ વિસ્તારમાં આવેલી લખોટા પોળના સાંકડા રસ્તા ઉપર વર્ષો જુનુ ગ્રાઉન્ડ ફલોર ઉપરાંત એક માળનું મકાન મંગળવારે સવારે ધરાશાયી થયુ હોવાનો રેસ્કયૂ કોલ ફાયર વિભાગને ૮.૪૫ કલાકે મળતાની સાથે જ પાંચકૂવા ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફીસર સુધીર ગઢવી સહીત ફાયરના અન્ય અધિકારીઓ અને જવાનો ઘટના સ્થળે બચાવ કામગીરી માટે ઘટના સ્થળે દોડી ગયા હતા.ધરાશાયી થયેલા મકાનના કાટમાળમાં એક જ પરીવારના ત્રણ લોકો દટાઈ ગયા હોવાથી તમામને સલામત બહાર કાઢવાની કામગીરી ફાયરના જવાનો દ્વારા શરુ કરવામાં આવી હતી.અંદાજે બે કલાકની ભારે જહેમત બાદ કાટમાળમાં દટાયેલા પીરુભાઈ શેખ,ઉંમર વર્ષ-૭૦ ઉપરાંત ઈરફાન પીરુભાઈ શેખ,ઉંમર વર્ષ-૩૫ તેમજ રેશમાબાનુ ઈરફાન શેખ,ઉંમર વર્ષ-૩૨ને સલામત બહાર કાઢી એસ.વી.પી.હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.જર્જરીત મકાન ધરાશાયી થયુ હોવાના સમાચાર આસપાસના વિસ્તારોમાં ઝડપથી ફેલાઈ જતા ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા રેસ્કયૂ ઓપરેશનને જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3y85a1i
via IFTTT
Post a Comment