અમદાવાદ,તા.25 જૂન 2021, શુક્રવાર
રામોલ ન્યુ મણિનગર શ્રીનંદ સિટી ૬ જી પાછળ આવેલા મ્યુનિ.પ્લોટમાં વરસાદી અને ગટરના પાણી ભરાઇ જતા રહીશો પરેશાન થઇ ગયા છે. ખોદકામ બાદ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇનનું કામ અધુરૂ છોડી દેવાયું હોવાથી આ સ્થિતિ નિર્માણ પામી હોવાનું રહીશોનું કહેવું છે. હાલમાં લોકો મચ્છર-માખી અને ગંદકી-દુર્ગંધનો ત્રાસ વેઠી રહ્યા છે.
રામોલમાં નવા વિકસી રહેલા અને ન્યુ મણિનગર તરીકે ખ્યાતિ પામેલા આ વિસ્તારમાં મ્યુનિ.તંત્ર દ્વારા સ્ટ્રોમ વોટર લાઇનનું અને ગટર લાઇનનું કામકાજ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં અધુરા કામને કારણે સ્થાનિક રહીશોની મુશ્કેલીઓ વધી જવા પામી છે.
આ અંગે સ્થાનિક રહીશ કમલેશ થાવરદાસ ચેલાણીના જણાવ્યા મુજબ રહેણાંક વિસ્તારની પાસે જ મ્યુનિ.પ્લોટમાં ખોદકામ થતા પાણી ભરાઇ રહે છે. જેમાં અકસ્માતે વાહનચાલક, રાહદારી તેમજ બાળક પડી જવાથી દુર્ઘટના થવાની પણ પુરેપુરી સંભાવના રહેલી છે. આ અંગે મ્યુનિ.તંત્રમાં ઓનલાઇન ફરિયાદ કરી હોવા છતાંય હજુ સુધી કોઇ પગલા લેવામાં આવ્યા નથી.
રહીશોના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટર અને મ્યુનિ.અધિકારીઓ વચ્ચેના ગજગ્રાહમાં કામ અધુરૂ રહી જતા રહીશોએ હાલાકીઓ ભોગવવાનો વારો આવ્યો છે. કોન્ટ્રાક્ટરને પેમેન્ટ મળ્યું ન હોવાથી તેણે કામ અધુરૂ મૂક્યું હોવાથી રહીશો હાલમાં પારાવાર હાલાકી વેઠી રહ્યા છે. વરસાદી અને ગટરના પાણી ભરાઇ જતા લોકો માટે રહેવાનું પણ મુશ્કેલ બન્યું છે.
આ મામલે મ્યુનિ.કમિશનરને પણ જાણ કરવામાં આવી છે તેમાં કામ ઝડપભેર પુરૂ કરવામાં આવે અને રહીશોને આ સમસ્યાથી છૂટકારો અપાવવામાં આવે તેવી માંગણી કરાઇ છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35Sj8IH
via IFTTT
إرسال تعليق