
આજે ભાજપની પ્રથમ પ્રદેશ કારોબારીની બેઠક
કમલમમાં બેઠકોનો ધમધમાટ કરી ભાજપ પ્રદેશ નેતાઓ પ્રજા વચ્ચે જવાના બહાના શોધી રહ્યાં છે
અમદાવાદ : કોરોનાકાળમાં સંગઠન-સરકારની નિષ્ફળ કામગીરીને પગલે ભાજપને હવે એન્ટી ઇન્કમબન્સીનો ડર સતાવી રહ્યો છે. આ કારણોસર અત્યારથી ભાજપે વિધાનસભાની ચૂંટણીનો માહોલ ઉભો કરવા ધમપછાડા શરૂ કયા છે.
આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 182 બેઠકો જીતશે તેવો ધૂમ પ્રચાર કરી ચૂંટણી માહોલ રચવા તૈયારીઓ આદરવામાં આવી છે. સોમવારે ભાજપની પ્રથમ વર્ચ્યુઅલ કારોબારીની બેઠક મળી રહી છે તેમાં આ જ મુદ્દે રોડમેપ તૈયાર કરવામાં આવનાર છે.
કોરોનામાં આરોગ્યની સેવા એટલી હદે કથળી ગઇ હતીકે, લોકોએ ભાજપના શાસનનો અંદાજ મેળવી લીધો હતો. હવે જયારે લોકોની નારાજગી સામે આવી છે ત્યારે પ્રજાનો રોષ ઠારી ફરી ચૂંટણીઓ જીતવા ભાજપે રણનીતિ ઘડવા નક્કી કર્યુ છે. લોકો કોરોનાના દિવસો ભૂલ્યા નથી ત્યારે કમલમમાં બેઠકોનો દોર આદરીને ચૂંટણીનો માહોલ ઉભો કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ફરી પૂર્ણ બહુમતીથી જીતશે તેવો અત્યારથી પ્રચાર કરવા ધારાસભ્યો,સાંસદો, નેતા - કાર્યકરોને આદેશ કરાયો છે. સોમવારે બપોરે ત્રણ વાગે કમલમમાં મળનારી પ્રથમ ભાજપ પ્રદેશ કારોબારી માં પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સહિત સંગઠનના હોદ્દેદારો વર્ચ્યુઅલ રીતે જોડાશે. કમલમમાં તો ચૂંટણીલક્ષી બેઠકોનો ધમધમાટ છે પણ જીલ્લા-તાલુકામાં ચૂંટણીની તૈયારીને લઇને શૂન્યવકાશ છે.
ખાસ કરીને ભાજપે આઇટી ટીમને સંગઠન- સરકારની કામગીરીનો ધૂમ પ્રચાર કરી લોકોના મનમાંથી કોરોનાની નિષ્ફળતા ભૂલાવવાનો ટાર્ગેટ આપ્યો છે. ભાજપે તમામ મોરચાના પ્રમુખોને ય વિવિધ સમાજના આગેવાનો સાથે સામાજીક ઘરોબો કેળવીને સરકારની સિધ્ધી લોકો સુધી પહોંચાડવા આયોજન કર્યુ છે. ટૂંકમાં, પ્રદેશ કારોબારીની બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીનો રોડમેપ તૈયાર કરાશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hduUm6
via IFTTT
Post a Comment