વિરમગામ શહેરના ઐતિહાસિક મુનસર તળાવમાં દુર્ગંધ મારતી લીલથી ત્રાહીમામ્


ડુમાણા : વિરમગામ શહેરની પશ્ચિમે સોલંકી યુગનું સિધ્ધરાજ જયસિંહની માતા મીનળદેવીએ બંધાવેલ ઐતિહાસિક મુનસર તળાવ આવેલું છે. આ તળાવ જોવાલાયક સ્થળ તરીકે સ્થાન પામેલ છે. આ તળાવની જાળવણી નિભાવણી સારસંભાળ પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવેછે.

આ તળાવને સ્મારક તરીકે જાહેર કરવામાં આવેલ છે. પુરાતત્વ ખાતાના અધિકારીઓ આ તળાવની સાફ સફાઇ જાળવણી અંગે કોઇ નક્કર કાર્યવાહી પ્રજાહિતમાં કરવામાં આવતી નથી. મુનસર તળાવની ચારે બાજુ ઠેર ઠેર ગંદકીના ઢગ ખડકાયા છે ત્યારે આ તળાવની દુર્દશા જોવા જેવી બની ચૂકી છે ત્યારે છેલ્લા થોડા દિવસોથી અંદર લીલ જામી ગઇ છે. તેના કારણે જે બાજુ પવન દિશા હોય તે બાજુ અસહ્ય દુર્ગંધ આવે છે.

આ તળાવની ચારેબાજુ રહેણાકના મકાનો આવેલ છે. બીજું આ તળાવની મધ્યમાં મુનસરી માતાજી તેમજ ઐતિહાસિક વડવાળા મેલડી માતાજી મંદિર આવેલ છે. દર રવિવારે મેલડી માતાજીના મંદિરે હજારો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે ત્યારે આ લીલની દુર્ગંધના કારણે દર્શનાર્થીઓને નાકે રૂમાલ દઇને ત્યાંથી દર્શનાર્થે જાય છે જેથી સ્થાનિક નગરજનો ભાવિકભક્તો ટુરીસ્ટો દ્વારા પુરાતત્વ વિભાગ સામે રોષની લાગણી વ્યાપી છે.

આ તળાવની દુર્દશા જોઇ લોકો નિસાસા નાખે છે. ગંદકી બાબતે મેલડી મા યુવક મંડળ દ્વારા અવારનવાર જવાબદાર સરકારી તંત્રને લેખિત તથા મૌખિક જાણ કરવા છતાં મુનસર તળાવમાંથી ગંદી લીલ હટાવવા બાબતે કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવેલ નથી.

સરકાર તરફથી હાલમાં સ્વચ્છતા અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે ત્યારે આ ઐતિહાસિક મુનસર તળાવની સફાઇ હાથ ધરવામાં આવે તો સાચુ સ્વચ્છતા અભિયાન લેખે લાગશે. બાકી તો રાજકીય નેતાઓ હાથમાં ઝાડુ લઇ ફોટો પડાવી આત્મસંતોષ માનશે. વિરમગામ શહેરમાં ઐતિહાસિક મુનસર તળાવની સાફ સફાઇ ગંદકી લીલ દૂર કરવામાં આવે તેવી નગરજનોની પ્રબળ માંગ ઊઠી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3i1e0cw
via IFTTT

Post a Comment

Previous Post Next Post