અમદાવાદ,તા.26 માર્ચ 2021, શુક્રવાર
અમદાવાદ શહેરમાં ગરમીની શરૂઆત સાથે માટીના માટલાનું વેચાણ અને ધુમ ખરીદી પણ શરૂ થઇ ગઇ છે. પૂર્વ અમદાવાદમાં ગરીબ અને મધ્યમવર્ગ રહેતો હોવાથી મોટાભાગના પરિવારો પાસે ફ્રિજ નથી. આ સ્થિતિમાં ગરમીમાં ઠંડુ પાણી પીવાનું તેમના પાસે એકમાત્ર પરંપરાગત માટલાઓ જ એક માત્ર હાથવગું અને ગજામાં હોય તેવું માધ્યમ છે.
અમદાવાદમાં હાલમાં ઠેરઠેર રાજસ્થાની, થાનના અને દેશી માટલાઓની હાટડીઓ મંડાઇ ગઇ છે. માટલાની માંગ વધતા આ ધંધામાં જોડાયેલા લોકોમાં પણ આનંદનો સંચાર થયો છે.
સુરેન્દ્રનગરના થાનની માટી માટલાઓ બનાવવા માટે વપરાય છે. ત્યાંથી મોટી સંખ્યામાં માટલાઓ અમદાવાદમાં ઠલવાઇ રહ્યા છે. આકર્ષક ડિઝાઇન, રંગ-બંરેગી ચિત્રામણ તેમજ મજબૂતાઇ આ માટલાઓની વિશેષતા હોવાથી જોતા વેંત ગમી જાય તેવા હોય છે.
આ અંગે આ ધંધાના વેપારી શૈલેષભાઇ પ્રજાપતિના જણાવ્યા મુજબ થાનના માટલાઓની માંગ વધી છે.
સુશોભિત પ્રકારના આ માટલાઓ મોંઘા હોવાથી મોટાભાગે ઉચ્ચ મધ્યમવર્ગમાં તેની માંગણી વધુ હોય છે. થાનનું માટલું તેની ડિઝાઇન, આકાર અને ગુણવત્તાને લઇને ૨૦૦ થી ૫૦૦ રૂપિયાના ભાવે છૂટક બજારમાં વેચાતું હોય છે.
લોકોમાં રાજસ્થાનથી આવતા સફેદ માટલાની માંગ સૌથી વધુ જોવા મળે છે. સફેદ અને સાદા દેખાતા આ માટલા જમતા રહેતા હોય છે પરંતુ તેની વિશેષતા એ છેકે આ માટલામાં જ પાણી સૌથી વધુ ઠંડું થતું હોય છે. હાલમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો હોવાથી રાજસ્થાનથી આવતા આ માટલાઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. હોલસેલમાં અગાઉ ૮૦ રૂપિયાના ભાવે મળતું માટલું પેટ્રોલના ભાવ વધતા ૯૫ રૂપિયે મળી રહ્યું છે.
હાલ અમદાવાદમાં છૂટક બજારમાં રાજસ્થાની માટલા ૧૨૦ થી ૧૫૦ રૂપિયામાં વેચાતા હોય છે. જ્યારે લાલ કલરના સાદા માટલાઓ ૩૦ રૂપિયાથી લઇને ૧૦૦ રૂપિયામાં વેચાતા હોય છે.
અમદાવાદમાં ખૂબ જ મોટી સંખ્યામાં કુંભાર સમાજના લોકો વસવાટ કરે છે જેઓ આ ધંધા સાથે સંકળાયેલા છે. માટલાનો ધંધો સિઝનેબલ છે. ઉનાળામાં આ ધંધો ઉપડતો હોય છે. ખાસ કરીને લગ્નગાળાની સિઝન વૈશાખ માસમાં અને ચૈત્રી નોતરામાં સૌથી વધુ વેચાણ થતું હોય છે.
અમદાવાદના વેપારીઓ ગાંધીનગરથી ગોઝારિયાના માર્ગો પરથી તેમજ છેક ઉંઝાથી માલ મંગાવતા હોય છે. અમદાવાદમાં હાલમાં હાઇવે પર, શાકમાર્કેટોમાં, રોડ ઉપર તેમજ મુખ્ય રસ્તાઓ ઉપર માટલાઓના વેપારીઓએ વેચાણ શરૂ કરી દીધું છે.
નોંધપાત્ર છેકે ગત વર્ષે કોરોનાના કારણે લોકડાઉન હોવાથી માટલાનો ધંધો સંપૂર્ણ ઠપ રહ્યો હતો. સિઝનનો માલ ભરાવીને બેઠેલા વેપારીઓએ રોવાનો વારો આવ્યો હતો. ગત વર્ષની ભારે આર્થિક નુકશાની વચ્ચે આ વર્ષે આશા બંધાઇ છેકે ધંધોમાં ખોટ ન જાય અને ઘરપરિવારનું ગુજરાત ચલાવી શકાય તેટલું કમાઇ લઇએ.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rnzQrP
via IFTTT
إرسال تعليق