અમદાવાદના સૌથી નાના મધ્યઝોનમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે તીવ્ર રસાકસી


અમદાવાદ, તા. 21 ફેબ્રુઆરી, 2021, રવિવાર

અમદાવાદના હિન્દુ-મુસ્લીમ મીક્સ વસ્તી ધરાવતા મધ્યઝોનના છ વોર્ડમાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તિવ્ર ખેંચતાણ હોવા છતાં મતદાન ઘણું ઓછું થયું છે. અમદાવાદના સાત ઝોનમાં સૌથી નાના આ ઝોનમાં 6 વોર્ડની 24 બેઠકોમાંથી ગઇ 2015ની ચૂંટણીમાં 15 ભાજપને અને 9 બેઠકો કોંગ્રેસે અંકે કરી હતી. આજે થયેલાં મતદાનમાં મોટા ફેરફારોની સંભાવના જાણકારો જોઇ રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ખાડિયાની પાંચ-પાંચ ટર્મના સ્થાપિત હીતો બની ગયેલાઓ સહીત ચારેય ઉમેદવારોના નામ પર કાતર ફરી જતાં બહુ મોટો વિવાદ થયો હતો. કોંગ્રેસે ગઇ ચૂંટણીમાં જમાલપુરમાંથી જીતેલા બે લઘુમતિના કોર્પોરેટરોને ખાડિયામાં ઊભા રખાતા નવા સમિકરણો રચાયા છે.

જો કે આજે થયેલાં મતદાનમાં ખાડિયામાં 33.02, જમાલપુરમાં 25.48, દરિયાપુરમાં 33.2, શાહપુરમાં 20.06, શાહીબાગમાં 34.36 અને અસારવામાં 35.51 ટકા મતદાન થયું છે. એમાં પણ ગઇકાલે રાતના અસારવામાં પાટિદાર મતદારો અને ભાજપના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. ચૂંટણી બાદ દેખાતા નહીં હોવાનો મુદ્દો કેન્દ્રસ્થાને હતો.

આ છ વોર્ડમાં 289749 પુરૂષ, 273634 મહિલા અને 11 થર્ડ જેન્ડર સહીત કુલ 563394 મતદારો છે. બન્ને પક્ષોએ આક્રમક પ્રચાર કર્યો હતો પણ મતદાન કરવા મતદારો બહુ જ ઓછાં બહાર નિકળ્યા હતા.

ખાડિયા વિસ્તાર હંમેશા ભાજપનો ગઢ રહ્યો છે. ગઇ વિધાનસભાની ચૂંટણીમાં ત્યાંથી કોંગ્રેસના ઉમેદવારે જીત મેશવતા સન્નાટો છવાઇ ગયો હતો. આ વખતે બે મજબૂત ગણાતા ઉમેદવારોને ઊભઆ રાખતા સ્પર્ધામાં નવો રંગ ઉમેરાયો છે. પ્રારંભિક તબક્કે ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે તેમના પુત્રને ટિકીટ મળે તે માટે ભારે ધમપછાડા કર્યા પણ, ભાજપના મોવડીમંડળે સ્પષ્ટ 'ના' સુણાવી દીધી હતી.

વહિવટદારનું શાસન ભાજપને ફળતું નથી

અમદાવાદ મ્યુનિ.માં 1999માં વહિવટદાર તરીકે પી.કે. લહેરીએ ચાર્જ સંભાળ્યો હતો. ત્યારબાદ 2000માં થયેલી ચૂંટણીમાં કોંગ્રેસને નહીં ધારેલી બહુમતિ મળી ગઇ હતી. આ ઘટના બાદ એવી માન્યતા ઊભી થઇ છે કે વહિવટદારના શાસન બાદ થતી ચૂંટણી કોંગ્રેસને ફળે છે. આ વખતે વહિવટદાર નહીં પણ વધુ સત્તા સાથે કમિશનર મુકેશકુમારને સરકારે મૂક્યા છે. હવે આ માન્યતા મજબૂત બને છે કે ખંડિત થાય છે, તે 23મીએ પરિણામના દિવસે જોવાનું રહે છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3unsirs
via IFTTT

Post a Comment

أحدث أقدم