
અમદાવાદ, તા. 26 ફેબ્રૂઆરી, 2021, શુક્રવાર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરીણામો જાહેર થઈ ગયા બાદ કોંગ્રેસને વધુ એક ફટકો પડયો છે.કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસની પેનલ વિજયી જાહેર કરાઈ હતી.ભાજપ દ્વારા પરીણામ જાહેર થયા બાદ રાજય ચૂંટણી પંચ સમક્ષ ફરીયાદ કરતા ચૂંટણી પંચ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.
તપાસના અંતે ભાજપના ગીતા ચાવડાને કમિશન દ્વારા વિજયી જાહેર કરવામાં આવતાં કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસની પેનલ તુટી છે.આ સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના કોર્પોરેટરોનું કુલ સંખ્યાબળ વધીને 160 થવા પામ્યું છે.બીજી તરફ કોંગ્રેસ પાસે હવે અમદાવાદ શહેરની 24 બેઠકો જ રહી છે.
આ અંગે મળતી માહીતી પ્રમાણે,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી માટે ગત રવિવારના રોજ યોજાયેલા મતદાન બાદ મંગળવારે 48 વોર્ડમાં થયેલા મતદાનની મત ગણતરી કરવામાં આવી હતી.શહેરના ઉત્તરઝોનમાં આવેલા કુબેરનગર વોર્ડમાં મત ગણતરીના અંતે કોંગ્રેસના તમામ ચાર ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવતા વિજયી ઉમેદવારોએ વિજય સરઘસ પણ કાઢયું હતું.
દરમ્યાન ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા કુબેરનગર વોર્ડના પરીણામ સામે રાજય ચૂંટણી પંચ સમક્ષ રજુઆત કરવામાં આવી હતી.ભાજપ તરફથી ચૂંટણી પંચ સમક્ષ એવી ફરીયાદ કરાઈ હતી કે,કુબેરનગર વોર્ડની મત ગણતરી સમયે નવમા રાઉન્ડના મત ગણવામાં આવ્યા નથી.
ચૂંટણી કમિશન દ્વારા ભાજપ તરફથી કરવામાં આવેલી રજુઆત બાદ આ મામલે તપાસ કરી હતી.તપાસના અંતે ભાજપના ઉમેદવાર ગીતા ચાવડાને કુલ 17656 મત મળતા તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.જયારે અગાઉ વિજયી જાહેર કરવામાં આવેલા કોંગ્રેસના ઉમેદવાર જગદીશ મોહનાનીને કુલ 16992 મત મળતા તેમને પરાજીત જાહેર કરવામાં આવ્યા છે.
કોંગ્રેસમાં વિપક્ષનેતા બનવા ચીમકીઓનો દૌર શરૂ
મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરીણામો જાહેર થઈ ગયા છે.કોંગ્રેસ કંગાળ દેખાવ સાથે હવે માત્ર 24 કોર્પોરેટરોનું જ સંખ્યાબળ ધરાવે છે.આમ છતાં પણ કોંગ્રેસમાં વિપક્ષનેતા બનવા માટે હવે નેતાગીરીને અવનવી ચિમકીઓ અપાઈ રહી છે.ગત ટર્મમાં બહેરામપુરા વોર્ડના કમળા ચાવડાને એક મહિના માટે વિપક્ષનેતા બનાવાયા હતા.
આ વખતે લઘુમતી વર્ગના કોર્પોરેટરને મ્યુનિ.વિપક્ષનેતા બનાવવા દબાણ કોંગ્રેસના નેતાઓ ઉપર શરૂ થયું છે.ચૂંટાઈને આવ્યાને હજુ બે દિવસ માંડ થયા છે તેવામાં લઘુમતી વર્ગના કોર્પોરેટરને જો વિપક્ષનેતા કોંગ્રેસ નહીં બનાવે તો તેઓ પક્ષ છોડી દેશે એવી પણ ચિમકી અપાઈ રહી હોવાનું કોંગ્રેસ વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3krLAaN
via IFTTT
Post a Comment