
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 28 જાન્યુઆરી, 2021, ગુરૂવાર
ગુજરાતમાં બ્રાન્ડેડ કપડાંના ડુપ્લિકેટ બનાવીને જિન્સ અને ટી શર્ટ વેચનારા વેપારીઓ પર પોલીસે દરોડા પાડીને તેમની ત્યાંથી રૂા. 9.80 લાખનો માલ જપ્ત કર્યો છે.
અમદાવાદ શહેરમાં ઘી કાંટા વિસ્તારમાં આવેલી એમ.જી. માર્કેટમાં શોપ ધરાવતા પંકજ કનૈલાય લાલ ધોલાની અને પ્રશાંત મહેશભાઈ સાધનાનીની દુકાન પર દરોડા પાડીને રૂા.9.80 લાખના મૂલ્યના ટી- શર્ટ અને જિન્સનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે.
ઘી કાંટા વિસ્તારમાં એમ.જી. માર્કેટમાં આવેલી માય શૉપ, સપના એપરલ અને ક્લાસિક ટ્રેડિંગ પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. બ્રાન્ડેડ કપડાંની કોપીરાઈટનો ભંગ કરીને તેના જેવા જ લોગો સાથેના કપડાં બનાવી બજારમાં મૂકતા હોવાની ફરિયાદને આધારે પોલીસ તપાસ કરવામાં આવી હતી.
સત્યના પૂજારી મહાત્મા ગાંધીના નામ પરથી જે માર્કેટ ચલાવવામાં આવી રહી છે તે જ માર્કેટમાં મહત્તમ ખોટું ચાલી રહ્યું હોવાની ચર્ચાએ પણ આ સાથે જ જોર પકડયું હતું.
માયશૉપમાં તપાસ કરતાં લીવાઈસના 95 ડુપ્લિકેટ ટી શર્ટ મળી આવ્યા હતા. લીવાઈસના ટી શર્ટના બિલ પંકજ ધોલાની રજૂ કરી શક્યા નહોતા. લીવાઈસના લોગો જેવો જ લોગો તેમાં લગાવેલો હોવાનું જોવા મળ્યું હતું. આ માલ તેમણે દિલ્હીના કારોલબાગ વિસ્તારમાં કામ કરતાં હની નામના માણસ પાસેતી ખરીદીને લાવ્યા હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ સપના એપરલ નામની દુકાનમાં તપાસાર્થે ગયા ત્યારે તેમાંથી લીવાઈસના લોગો સાથેના 403 જિન્સ અને 60 ટી શર્ટ મળી આવ્યા હતા. જિન્સનું કુલ મૂલ્ય અંદાજે 8.06 લાખ હતું. આ જ રીતે સપના એપરલમાંથી લીવાઈસના 60 ટી શર્ટનો જથ્થો પણ મળી આવ્યો હતો. તેનું મૂલ્ય અંદાજે રૂા. 60,000નું થતું હતું. ક્લાસિક ટ્રેડિંગ નામની દુકાનમાં તપાસ કરી હતી.
પરંતુ કોઈ જ ડુપ્લિકેટ માલ મળ્યો નહોતો. મોંઘવારીમાં બ્રાન્ડેડ કપડાંની ખરીદી કરનારાઓ પણ છેતરાયા છે. સી.આઈ.ડી. ક્રાઈમ અને કારંજ પોલીસ સ્ટેશને સંયુક્તપણે તપાસ કરી હતી. તેમાં ડુપ્લિકેટ માલ મળી આવ્યો હતો. આ તપાસમાં પોલીસે વેપારીઓ પાસે મોટી અપેક્ષા રાખી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3t66ZKA
via IFTTT
إرسال تعليق