
બગોદરા, તા. 30 જાન્યુઆરી, 2021, શનિવાર
અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં ચાલી રહેલી રેલ્વે વિભાગની કામગીરી દરમિયાન કામદારો કોઈપણ જાતની સેફટી વગર કામ કરતાં નજરે પડયા હતા અને જવાબદાર તંત્રની બેદરકારી સામે આવી હતી.
આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ જિલ્લામાં ચાંગોદર, મોરૈયા, બાવળા, મટોડા, બગોદરામાં અનેક કંપનીઓ કાર્યરત છે. જ્યાં મોટી સંખ્યામાં કામદારો કામ કરી રહ્યા છે. આ ઉપરાંત અમદાવાદ-રાજકોટ હાઈવેને ૬ લેન બનાવવાની કામગીરી પણ ચાલી રહી છે જેમાં અનેક જગ્યાએ બ્રીજ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદથી બાવળા, બોટાદ રેલ્વેનું કામ ચાલી રહ્યું છે. જેમાં બાવળા શહેરમાં રેલ્વે દ્વારા બનાવવામાં આવેલ નાળાની કામગીરી ચાલી રહી છે જેમા પોલીસ સ્ટેશન પાસે હાલ આ કામગીરીમાં મોટી સંખ્યામાં કામદારો કામ કરી રહ્યા છે પરંતુ તમામ કામદારો કોઈપણ જાતની સેફટીના સાધનો વગર કામ કરતાં જણાઈ આવ્યા હતાં અને આવી સ્થિતિમાં જો કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ? સુપરવાઈઝર, એન્જીનીયરની હાજરીમાં કામગીરી ચાલી રહી છે પરંતુ કામદારોની સેફટીનું ધ્યાન રાખવામાં આવ્યું નથી જે મામલે બાવળાના સામાજિક કાર્યકર પ્રફુલભાઈ મહેતાના જણાવ્યા મુજબ અમદાવાદ જિલ્લામાં મજુર કામદારો અને જે તે જાનહાનિ થાય તેવું કામ કરતા લોકોને સેફટી આપવામાં આવતી નથી અને અગાઉ પણ સેફટીના અભાવે અનેક કામદારોના મોત થઈ ચુકયા છે. જ્યારે બીજી બાજુ સરકાર દ્વારા સેફટી વિભાગ અંતર્ગત સેફટીના નામે મોટી-મોટી વાતો અને ઉજવણી કરવામાં આવે છે પરંતુ બાવળા ખાતે રેલ્વેનું કામ કરતાં કામદારોને આપવામાં આવતી સેફટી માત્ર કાગળ ઉપર જ હોય તેમ લાગી રહ્યું છે ત્યારે જિલ્લામાં જાનહાની અને નુકશાન થાય તેવી કામગીરી અંગે ચેકીંગ હાથ ધરવામાં આવે અને દરેક કામદારોને જરૂરી સેફટીના સાધનો અને સુવિધા પૂરી પાડવામાં આવે તેમજ સેફટી અંગે બેદરકારી દાખવતા તંત્રના અધિકારી કે કર્મચારી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36J7QaH
via IFTTT
إرسال تعليق