GTUની 10મીથી શરૂ થતી પરીક્ષાઓ મોકુફ પણ નવું સત્ર 3જીથી શરૂ


અમદાવાદ, તા. 1 ડિસેમ્બર, 2020, મંગળવાર

જીટીયુ દ્વારા 10 ડિસેમ્બરથી શિયાળુ સત્રની પરીક્ષાઓ શરૂ કરવાની જાહેરાત કરી ટાઈમ ટેબલ પણ જાહેર કરી દીધુ હતુ પરંતુ દિવાળી બાદ ગુજરાતમાં કોરોનાના કેસ વધતા અંતે જીટીયુની આજની ડીન મીટિંગમાં  પરીક્ષાઓ મોકુફ કરવા નિર્ણય લેવામા આવ્યો છે.જેને પગલે 10મીથીથી પીજીની પરીક્ષાઓ શરૂ નહી થાય અને 15મી બાદ શરૂ થનારી યુજી પરીક્ષાઓ પણ હાલ શરૂ નહી થાય.

જીટીયુ દ્વારા  પ્રથમ તબક્કામાં 10 ડિસેમ્બરથી પીજીમાં એમબીએ-એમસીએ સહિતના કોર્સમાં સેમેસ્ટર 3,5ની પરીક્ષાઓ શરૂ થનાર હતી. જ્યારે 15 ડિસેમ્બર બાદ યુજીમાં વિવિધ કોર્સમાં સેમેસ્ટર 1, 3,5,7ની પરીક્ષાઓ શરૂ થનાર હતી.પરંતુ જીટીયુ દ્વારા તમામ પરીક્ષાઓ મોકુફ કરી દેવાઈ છે.

જીટીયુ  દ્વારા એપ્રિલ-મેમાં સમર સેમેસ્ટર પરીક્ષાઓ લેવાય છે અને ડિસેમ્બર જાન્યુઆરીમાં શિયાળુ સત્રની સેમેસ્ટર પરીક્ષાઓ લેવામા આવે છે.કોરોનાને લીધે ગત ઉનાળુ સત્રની પરીક્ષાઓ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પૂર્ણ કર્યા બાદ ડિસેમ્બરમાં ઓડ સેમસ્ટરની વિન્ટર સેમેસ્ટર એક્ઝામ ગોઠવવામા આવી હતી. 

યુનિ.દ્વારા 30મી સુધી મુદત વધારી પરીક્ષાઓના ફોર્મ પણ ભરાવી દેવામા આવ્યા છે.પરંતુ હાલ કોરોના કેસ વધી રહ્યા હોઈ સેન્ટર પર રૂબરૂ વિદ્યાર્થીઓને બોલાવવા મુશ્કેલ હોવાથી પરીક્ષા મોકુફ કરવા નિર્ણય લેવાયો છે.કુલપતિની અધ્યક્ષતામાં આજે મળેલી ડીન અને એસોસિએટ ડીનની મીટિંગમાં પરીક્ષા મોકુફ કરવા નિર્ણય લેવાયો હતો.

જો કે આગળના સેમેસ્ટરના વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે હાલ પરીક્ષા અને પરિણામ વગર જ 3જી ડિસેમ્બરથી ઓડ સેમેસ્ટરમાં ઓનલાઈન કલાસ શરૂ કરી દેવા સૂચના અપાઈ છે. વિદ્યાર્થીઓના બહોળા શિક્ષણને હિતને ધ્યાનમાં રાખી તમામ કોલેજોને 3જી ડિસેમ્બરથી સેમેસ્ટર 2 સિવાય અને એમબી-એમસીએ સેમેસ્ટર 1 સિવાયના તમામ સેમેસ્ટરમાં આગળના નવા શૈક્ષણિક સત્રનો અભ્યાસ શરૂ કરી દેવા પરિપત્ર કરવામા આવ્યો છે.

ગુજરાત યુનિ. દ્વારા પણ 8મી અને 17મીથી શરૂ થતી પરીક્ષા મોકુફ

કોરોનાને પગલે જીટીયુ દ્વારા પરીક્ષાઓ મોકુફ કરવાની જાહેરાત કરાયા બાદ ગુજરાત યુનિ.એ પણ મોડી સાંજે પરીક્ષાઓ મોકુફ કરવાનો નિર્ણય લીધો હતો. કોરોનામા પરીક્ષાઓ લેવી અને પરીક્ષાઓ મોકુફ કરવી તેમાં પણ યુનિ.ઓ એક બીજાને અનુસરતી હોઈ તેમ ગુજરાત યુનિ.એ પણ શિયાળુ સત્રની પરીક્ષાઓ મોકુફ કરી દીધી છે.

કોરોનાના કેસ ઘણા દિવસથી વધી રહ્યા છે ત્યારે આજે બંને યુનિ.ઓને પરીક્ષાઓ મોકુફ કરવાનું સુઝ્યુ છે.ગુજરાત યુનિ.દ્વારા 8મીથી શરૂ થતી પ્રથમ તબક્કાની અને 17મીથી શરૂ થતી બીજા તબક્કાની તમામ પરીક્ષાઓ હાલ મોકુફ કરી દેવાઈ છે.ગુજરાત યુનિ.દ્વારા પણ વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ ભરાઈ ચુક્યા છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39wLYBj
via IFTTT

Post a Comment

Previous Post Next Post