
અમદાવાદ, તા. 27 ડિસેમ્બર, 2020, મંગળવાર
ચંદ્રનગરમાં સમસ્ત બ્રહ્મક્ષત્રિય સોસાયટીમાં આવેલી નિમ્સ હોસ્પિટલને કોવિડમાં મૂકી દેતા સોસાયટીના રહેવાસીઓએ ભારે વિરોધ કર્યો છે. આ કોવિડ હોસ્પિટલથી એક સામાન્ય ફેન્સિંગના અંતરે જ રહેતા સાત સિનિયર સિટીઝને કોર્પોરેશન અનેક ફરિયાદો કરી છતા કોઇ નિરાકરણ આવ્યું નથી.
સમસ્ત બ્રહ્મક્ષત્રિય સોસાયટીમાં રહેતા અને નિમ્સ હોસ્પિટલની અડોઅડ એક ફેંસિંગથી ઘર ધરાવતા મૃગેશભાઈ દેસાઈ અને હેતલબેન દેસાઇ કહે છે 'અમારા ઘરમાં ત્રણ 85 વર્ષની ઉંમરના સિનિયર સિટીઝન છે.
અમે છેલ્લા કેટલાંય સમયથી ઘરની બહાર એટલે કે ફળીયામાં પણ બેસી નથી શકતા કારણ કે અમારા ઘરની લગોલગ માત્ર એક ખુલ્લી જાળીના અંતરે પ્રાઈવેટ કોવિડ હોસ્પિટલ છે.
અમારા ઘરની સામેથી મૃતકોની લાશો જાય છે અને અમારા ઘરના વડીલો પારેવાની જેમ ફફડે છે....આટલું જ નહીં પરંતુ કોવિડ હોસ્પિટલની બારીએથી દર્દીઓ અમારા ઘર તરફ બિંદાસ થૂંકે છે. અમે ઘણી રજૂઆતો કરી. કોર્પોરેશનને પણ જણાવ્યું છતાં એક જ ફેન્સિંગના અંતરે કોવિડ હોસ્પિટલને પરમિશન આપીને અમારી દિવસ-રાતની ઊંઘ હરામ કરી નાખી છે. હોસ્પિટલ વેસ્ટ પણ અમારા ઘરની પાસે ફેંકવામાં આવે છે.'
સોસાયટીના અન્ય રહીશોમાં દિલિપભાઈ ઠક્કર કહે છે કે 'અમે છેલ્લાં અનેક વર્ષોથી અહીં રહીએ છીએ. મારી ઉંમર 71 વર્ષની છે અને મારી પત્ની 69 વર્ષના છે પણ અમને સતત હોસ્પિટલની બેજવાબદારી વર્તણૂકથી ડર લાગ્યા કરે છે.
અમારા જેવા આ જ લાઈનમાં કુલ સાત સિનિયર સિટીઝન છે.' સોસાયટીના પ્રમુખ પાર્થિવ પંડિત કહે છે કે 'આ હોસ્પિટલને અમે એનઓસી આપી નથી. સોસાયટી પોતે પણ કોઓનર હોવાની રૂએ કોમશયલ એક્ટિવિટી આમ પણ પ્રતિબંધિત છે, છતાં હોસ્પિટલ સહિત કુલ પાંચ વિવિધ કોમશયલ પ્રવૃત્તિઓ થઈ રહી છે. એમાં બે તો હોસ્પિટલો છે.
મેં કોર્પોરેશનને અને કોર્ટમાં પણ રજૂઆત કરી છતાં કોઈ પગલા લેવાઈ રહ્યા નથી.ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ભાવિન સોલંકી કહે છે કે, જો રહેણાક વિસ્તારમાં મૂકવામાં આવેલી કોવિડ હોસ્પિટલ અંગે સ્થાનિક રહીશો તરફથી કોઇ ફરિયાદ આવી હોય તો તેને તુરંત કોવિડમાંથી હટાવી શકાય તેમ નથી. અમૂક ટેકનિકલ બાબતોની તપાસ કરીને પછી જ કોવિડ હોસ્પિટલને હટાવવામાં આવે છે.
કોરોનાનો વ્યાપ વધતાં આ હોસ્પિટલને મંજૂરી આપી
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પશ્ચિમ ઝોનના ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશનર ડૉ.ઓમપ્રકાશે કહ્યું કે આ હોસ્પિટલ વિશે અમને વિવિધ ફરિયાદો મળી રહી છે પરંતુ જે રીતે સમગ્ર શહેરમાં કોરોનાનો વ્યાપ વધ્યો હતો તે જોતાં અમે આ હોસ્પિટલને ફોર્મ સીના આધારે મંજૂરી આપી હતી. હાલના તબક્કે કોર્પોરેશન ફોર્મ સીના આધારે જ નક્કી કરે છે કે હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે મંજૂરી આપવી કે નહીં.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38LS7aJ
via IFTTT
Post a Comment