અભય ભારદ્વાજનું અવસાન થતાં રાજ્યસભાની વધુ એક બેઠક ખાલી


અમદાવાદ, તા. 1 ડિસેમ્બર, 2020, મંગળવાર

આખરે રાજ્યસભાના વધુ એક સાંસદ કોરોના સામેનો જંગ હાર્યા છે. કોરોનાને લીધે ભાજપના રાજ્યસભાના સભ્ય અભય ભારદ્વાજનું અવસાન થતાં ગુજરાતમાં રાજ્યસભાની વધુ એક બેઠક ખાલી પડી છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના નિધન બાદ ભાજપના સાંસદનુ અવસાન થયુ છે. એક સપ્તાહમાં રાજ્યસભાના બે સાંસદોનુ નિધન થતા શોકનુ મોજુ ફેલાયુ છે. હવે ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો પર ચૂંટણી યોજાશે. 

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યુ છે. રાજ્યસભાની ચૂંટણીના પરિણામો બાદ જ કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી કોરોનાની ચપેટમાં આવ્યા હતાં. તેમની હાલત તો એટલીહદે કથળી હતી કે,તેઓને 100થી વધુ દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવા પડયા હતાં. આખરે તેઓ કોરોનાને હરાવવામાં સફળ થયા હતાં.

આ ઉપરાંત રાજ્યસભાના સભ્ય અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ પણ કોરોનાથી સંક્રમિત થયા હતાં જેના કારણે તેમને દિલ્હી વેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતાં. જોકે, અહેમદ પટેલ કોરોના સામેનો જંગ હાર્યા હતાં જેના કારણે કોંગ્રેસે એક દિગ્ગજ નેતા ગુમાવી દીધા હતાં. અહેમદ પટેલના નિધનને પગલે રાજ્યસભાની એક બેઠક ખાલી પડી હતી. 

અહેમદ પટેલના નિધનની વાત હજુ ભૂલાઇ ન હતી ત્યાં આજે રાજ્યસભાના સભ્ય અભય ભારદ્વાજનુ પણ કોરોનાથી અવસાન થયુ હતું. છેલ્લા કેટલાંય દિવસોથી તેઓ ચેન્નાઇ ખાતેની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતાં.

રાજ્યસભાની ચૂંટણી બાદ ભારદ્વાજ પણ કોરોનાથી સંક્રમિત થયા હતાં ત્યારબાદ તેમની વધુ તબીયત લથડતાં ખાસ પ્લેન મારફતે તેમને ચેન્નાઇ લઇ જવાયા હતાં. ભારદ્વાજના  નિધન બાદ રાજ્યસભાની વધુ એક બેઠક ખાલી પડી છે. આમ, હવે બે બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે. 

રાજકીય આલમમાં ચર્ચા છેકે, ડિસેમ્બરમાં રાજ્યસભાની ચૂંટણી યોજાવવા જઇ રહી છે ત્યારે આ ચૂંટણીઓની સાથે જ ગુજરાતમાં ય બે બેઠકોની ચૂંટણી યોજાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલને પણ કોરોના થયો હતો. 

સાથે સાથે થોડાક દિવસ પહેલાં જ રાજ્યસભાના સભ્ય નરહરિ અમીન પણ કોરોનાની ચપેટમાં આવ્યા હતાં જેના લીધે તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતાં. જોકે, શક્તિસિંહ ગોહિલ અને નરહરિ અમીને કોરોનાને હરાવ્યો હતો. આમ, આ વખતે રાજ્યસભાના ચાર સભ્યો અહેમદ પટેલ , અભય ભારદ્વાજ , શક્તિસિંહ ગોહિલ અને નરહરિ અમીન કોરોનાથી સંક્રમિત થયા હતાં.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33vUZ9R
via IFTTT

Post a Comment

أحدث أقدم