
મંત્રી પણ પરિવાર સાથે ગરબે ઘુમ્યા : શું હવે કાયદો નેતાઓનો ગુલામ છે ? આમંત્રણમાં લખાયું હતું, આદિવાસી પરંપરા અનુસાર ઢોલની હરીફાઇ રહેશે
વ્યારા, તા. 1 ડિસેમ્બર, 2020, મંગળવાર
કોરોના દરમિયાન સરકારની ગાઈડ લાઈનને નેવે મૂકી તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનાં ડોસવાડા ગામે માજી આદિજાતિ મંત્રીની પૌત્રીની સગાઇ નિમિત્તે યોજાયેલા સંગીત જલસાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ગરબે ઘુમ્યા હતા.
કાર્યક્રમમાં ખુલ્લે આમ કોરોનાની ગાઈડલાઇનના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.જયારે આમ આદમી માત્ર માસ્ક નહીં પહેરેતો દંડાત્મક કાર્યવાહી થાય છે અને નેતાઓ દ્વારા થતા નિયમભંગ સામે તંત્ર મૌન બની જાય છે.
સોનગઢ તાલુકાના ડોસવાડા ગામના સરપંચ જીતુભાઇ કાંતિભાઈ ગામીતની પુત્રી અને માજી આદિજાતિ મંત્રી કાંતિભાઈ ગામીતની પૌત્રી હિરલકુમારીની સોમવારે ગામમાં જ રહેતા આશિષકુમાર સાથે સગાઇ યોજાઈ હતી. આ માંગલિક પ્રસંગ નિમિત્તે રાત્રે સંગીત જલસાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રસ ગરબા સાથે બેન્ડ પાર્ટીનું પણ આયોજન થયું હતું.
કોરોનની મહામારીને લઇ સરકારે ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે ગાઈડ લાઈન બહાર પાડી હોવા છતાં હજારોનવી સંખ્યામાં લોકોને બોલાવવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયામાં પણ આમંત્રણ ફરતું થયુ હતુ. મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો સાથે માજી મંત્રી કાંતિ ગામીત અને પરિવારના સભ્યો પણ ગરબે ઘુમ્યા હતા.
અહીં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડયા હતા અને ઘણા લોકોના મો પર માસ્ક પણ ન હતા. જે અંગેનો વિડીયો કાંતિ ગામીતના નજીકના માનતા અલ્પેશ ગામીત નામના યુવાને સોશયિલ મીડિયાના પ્લેટફોર્મ ફેસબૂક પર અપલોડ કર્યા હતા. જેમાં કર્યાંય કોરોનાની ગાઈડ લાઇનનું પાલન થતું ન હતુ.
લગ્નમાં 100થી વધુ લોકો ભેગા થઇ જાય તો તંત્ર સ્થળ પર પહોંચીને રૂ.5000ની પાવતી ફાડે છે પણ ભાજપના અગ્રણીઓને કોઈ નિયમો નડતા નથી. કોવિડના નિયમના ધજાગરા ઉડાવનાર નેતા સામે તંત્ર પણ નત મસ્તક થતાં આમ જનતામાં ચર્ચા ઉઠી છે કે, શું હવે કાયદો નેતાઓનો ગુલામ છે ?
સોનગઢના ડોસવાડા ગામે માજી આદિજાતિ મંત્રી કાંતિ ગામીતની પૌત્રીની સગાઇ દરમિયાન યોજાયેલા સંગીત જલસામાં કોરોનાની ગાઈડ લાઈનના થયેલા ભંગ અંગે સોશિયલ મીડિયામાં મુકાયેલો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી છે. જે અંગે ગૃહ વિભાગ દ્વારા પણ તાત્કાલિક તપાસના આદેશ થયા છે.
આ બાબતે તાપી પોલીસ અધિક્ષક સુજાતા મજમુદારને પુછતા જણાવ્યું કે, વિડીયો સામે આવતા જ ઇન્ક્વાયરી સોપી દીધી છે.નિવાસી ડીવાયએસપી આર.એલ.માવાણી ઇન્ક્વાયરી કરી રહ્યા છે.આ વિડીયો અને એની વિગત શું છે ? જેવું કઈ મળે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
મારી ભુલ થઈ છે, હું સ્વીકારૂં છું : કાંતિ ગામીત
આ અંગે માજી મંત્રી કાંતિ ગામીતે મીડિયાને જણાવ્યું કે, મારા પિતાજીના સમયથી અમે તુલસી વિવાહનો કાર્યક્રમ કરીએ છીએ.આ વર્ષે પૌત્રીની સગાઈ પણ રાખી હતી, જે માટે માત્ર વ્યોટ્સઅપ પર આમંત્રણ મુકયું હતું, જેમાં લોકો આવશે એ વિચારી 1500 થી 2000 લોકોનું ભોજન અને નાચગાનનો કાર્યક્રમ રાખ્ય હતો. જેમાં કોરોનાની ગાઇડલાઇનનો ભંગ થયો છે, એ મારી ભુલ છે, હું સ્વીકારૂં છું.
વિવાદ વધી જતા મંત્રીના પુત્ર સામે ગુનો દાખલ કરાયો
દરમિયાન માજી આદિજાતિ મંત્રીના પુત્ર એવા ડોસવાડા ગ્રામ પંચાયતના સરપંચ જીતુભાઇ કાંતિભાઈ ગામીત સામે પુત્રીની સગાઈમાં મોટી સંખ્યામાં લોકો ભેગા કરી થયેલ કોરોનાના નિયમોના ભંગ અંગે સોનગઢ પોલીસ મથકે મોડી સાંજે આઈપીસીની કલમ 279, 270, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, એકેડેમિક એકટ અને આઈપીસીની કલમ 188 હેઠળ જાહેરનામાં ભંગનો ગુનો દાખલ થયો હતો.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37sQD4v
via IFTTT
Post a Comment