અમદાવાદ,તા.27 ડિસેમ્બર 2020, રવિવાર
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આશરે ૬ દાયકા પહેલા કેન્દ્ર સરકાર દ્વારા ૯૯ વર્ષના ભાડા પટ્ટે માલધારીઓને વસવાટ માટે ફાળવાયેલી વસાહતોનો પ્રશ્ન રાજકિય આંટીઘૂંટીમાં પડીને વધુ ગુંચવાયો છે. મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી ટાણે વાયદા-વચનો આપીને માલધારીઓના મતો અંકે કરતા રાજનેતાઓ પણ છેલ્લા ૪૦ વર્ષથી આ સળગતા પ્ર્શન પર તેમના રાજકિય રોટલા શેકી રહ્યા છે. ત્રણ હજારથી પણ વધુ માલધારી પરિવારો વસે છે તેવા અમરાઇવાડી, ઓઢવ, નવી અને જુની જશોદાનગર સહિતની કુલ ચાર રબારી કોલોનીઓને કાયદેસરતા બક્ષવા, ભાડાપટ્ટો ટ્રાન્સફર કરી આપવા તેમજ ફાળવેલ ૨૯૯ વાર સહિતની વધારાની કબજાની જમીન ટોકન ભાવે વેચાણથી આપવાની માંગણી આજદીન સુધી ન સંતોષાતા હજારો માલધારી પરિવારો તેમના રહેણાંકને પ્રશ્નને લઇને ચિંતામાં અને ઉંચા જીવે જીવી રહ્યા છે.
માલધારી વસાહતોના આ પ્રશ્ન અંગે માલધારી આગેવાન ધનાભાઇ દેસાઇના જણાવ્યા મુજબ વર્ષ ૧૯૫૭-૫૮ માં અમદાવાદ શહેરમાંથી માલધારીઓને દુર જંગલ-ગોચર વિસ્તારમાં રહેવા અને પશુપાલન માટે પરિવારદીઠ કેન્દ્ર સરકારે ૨૯૯ વાર જગ્યા ફાળવી આપી હતી. ૯૯ વર્ષના ભાડાપટ્ટે જેતે સમયે આ જગ્યાઓ તે સમયે ગોચર અને જંગલ વિસ્તાર ગણાતા અમરાઇવાડી, ઓઢવ , જશોદાનગર જેવા છેવાડાના અને દુર્ગમ વિસ્તારોમાં ફાળવી અપાઇ હતી.
સમય જતા મ્યુનિ.કોર્પોરેશનની હદ વધી જતા વર્ષ ૧૯૮૭-૮૮ માં આ માલધારી વસાહતો મ્યુનિ.કોર્પોરેશનની હદમાં આવી ગઇ હતી. માલધારીઓનું ગુજરાત પશુપાલન પર ચાલતું હોવાથી જેતે સમયે સરકારે પાયલોટ ડેરી અને આબાદ ડેરી સ્થાપીને દૂધ ઉઘરાવવાનું ચાલુ કર્યું હતું. બંને ડેરીઓ સમયાંતરે બંધ થઇ જતા પશુપાલકોનો દૂધનો વ્યવસાય પડી ભાગ્યો હતો.
સરકાર દ્વારા રોજગારીની વૈકલ્પિક વ્યવસ્થા કરી અપાઇ નહોતી. સરકારે વર્ષ ૧૯૫૭માં ૨૯૯ વાર જગ્યા વસવાટ માટે ફાળવી હતી.પરિવારો સંખ્યા વધતી જતા સમયાંતરે મ્યુનિ.ખાલી જગ્યામાં આ પરિવારો વસી ગયા હતા.
આ અંગે માલધારીઓ તેમનો પક્ષ રજૂ કરતા જણાવી રહ્યા છેકે સરકારે ગોચરની જમીન માલધારીઓન વસવાટ માટે અને પશુઓના ચરણ માટે આપી હતી તો પછી મ્યુનિ.કોર્પોરેશન કઇ રીતે રિઝર્વેશન મૂકી શકે. તે વાત સમજાતી નથી.
પશુપાલનની રોજગારી છીનવાઇ જતા માલધારીઓ દુકાનો કરીને અન્ય વ્યવસાય તરફ વળ્યા, બીપીએમસીનો કાયદો છેકે ૩૦ ફૂટથી વધારે પહોળાઇ વાળા રોડો ઉપર આવતી મિલકતો આપોઆપ કોમર્શિયલ થઇ જતી હોય છે.
માલધારીઓને ફાળવવામાં આવેલી જગ્યાઓ હાલમાં કબજો હોય તેટલી જગ્યાનો ગરીબોને પોષાય તેવા ચાર્જ કે ઇમ્પેક્ટ ફી લઇને માલધારીના કબજામાં રહેલી વધારાની જગ્યા કાયદેસરક કરી આપવાની માંગણી કરાઇ છે. દબાણો દુર કરતા પહેલા વસાહતના રહિશો સાથે ચર્ચા વિચારણા કરીને તેઓને વિશ્વાસમાં લેવામાં આવે તેવી પણ માંગણી કરાઇ છે.
સરકારે વ્યાજબી ભાવ વસુલી મકાનો નામે કરી આપવા માંગ
માલધારી આગેવાનોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે જેમ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોને કાયદેસર કરી આપ્યા તેવી રીતે આ વર્ષોથી વસવાટ કરે છે તેવી માલધારી વસાહતો અને તેના વધારાના બાંધકામ, દબાણને પણ ટોકન ભાવે વ્યાજબી ભાવે માલધારીઓને વેચાણે આપી દેવી જોઇએ.
શહેરી વિસ્તારમાંથી માલધારીઓને ગોચર વિસ્તારમાં ખસેડયા અને હવે જ્યારે અમદાવાદ શહેરનો વિસ્તાર વિસ્તરી જતા આ ગોચરવાળી ઓઢવ, અમરાઇવાડી, જશોદાનગર જેવી વસાહતોને મ્યુનિ.કોર્પોરેશનમાં ભેળવી દેવાઇ છે. જેના કારણે હવે માલધારીઓના રહેવાનો પ્રશ્ન ફરી પાછો ઉદભવ્યો છે.
આ અંગે માલધારીઓના જણાવ્યા મુજબ શહેરનો વિકાસ થાય તે સારી બાબત છે. પરંતુ સાત દાયકાથી જે લોકો રહેતા હોય તેવા લોકોને વસવાટની નોકરી-ધંધા માટે પ્રાથમિકતા આપવી જોઇએ. જેતે સમયે ફાળવેલી જગ્યા ઉપરાંત વધારાની જગ્યામાં માલધારીઓ દાયકાઓથી રહેતા હોય તો તેવી સ્થિતિમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની જેમ કબજે દાર માલધારીઓને તે જમીન વ્યાજબી ભાવે વેચાણ આપી દેવી જોઇએ. એ માનવતાની દ્રષ્ટિએ યોગ્ય છે.
નોંધપાત્ર છેકે મ્યુનિ.તંત્રે દબાણોના નામે માલધારી વસાહતોમાં મોટાપાયે દબાણો દુર કર્યા હતા.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hm35aO
via IFTTT
إرسال تعليق