
અમદાવાદ, તા. 10 નવેમ્બર, 2020, મંગળવાર
શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલાં સિંધુભવન રોડ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંગળવારે વહેલી સવારથી સિંધુભવન રોડ પર મેગા ડીમોલીશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે મોડી સાંજ સુધી ચાલી હતી.
આ કાર્યવાહી દરમિયાન એસ.બી.આર.સોશીયલ ફુડ કોર્ટના નામથી જાણીતી જગ્યા પર ફુડ કોર્ટના ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફલોર પર મળીને ગેરકાયદે બાંધવામાં આવેલા 14 હજાર ચોરસ ફુટના બે શેડ ઉપરાંત 30 હજાર ચોરસ ફુટમાં પથરાયેલાં બાવન જેટલા ફુડ સ્ટોલના ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા.
ઉત્તર-પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા મંગળવારે વહેલી સવારથી થલતેજ વોર્ડમાં આવેલાં સિંધુભવન રોડ પર ગોટીલા ગાર્ડનની સામે ઓરનેટ પાર્કની બાજુમાં ટી.પી.સ્કીમ નંબર-214ના ફાઈનલ પ્લોટ -16-1માં એસ.બી.આર.ફુડ કોર્ટ નામની જગ્યા પર કોમર્શીયલ ઉપયોગ માટે બનતાં ગેરકાયદે બાંધકામ તોડવાની કાર્યવાહી શરૂ કરી હતી.આ સ્થળે ચાલતા ફુડ કોર્ટ અગાઉ પણ અનેક વખત વિવાદમાં આવ્યા હતા.પરંતુ કોઈને કોઈ કારણસર રાજકીય દબાણ આવતા તંત્ર દ્વારા કાર્યવાહી મોકૂફ રાખવામાં આવતી હતી.
મંગળવારે એસ.બી.આર.સોશીયલ ફુડ કોર્ટની જગ્યામાં ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફલોર પર બાંધવામાં આવેલાં 14 હજાર ચોરસ ફુટના કોમર્શીયલ પ્રકારના શેડ હીટાચી મશીન,જેસીબી ,હાઈડ્રો મશીન કટર વગેરેની મદદથી તોડી પડાયા બાદ આ વિસ્તારમાં ત્રીસ હજાર ચોરસ ફુટમાં પથરાયેલા બાવન જેટલા ફુડ સ્ટોલના ગેરકાયદે બાંધકામને પણ તોડી પડાયા હતા.
એસ.બી.આર. સોસિયલ બિલ્ડર રમણ પટેલની જગ્યા
અમદાવાદ,મંગળવાર
શહેરના સિંધુભવન રોડ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા એસ.બી.આર.સોશિયલ સહીત જે બાવન જેટલાં ફુડ કોર્ટોને તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી એ જગ્યા પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલની હોવાની વિગત બહાર આવી છે.આધારભૂત સુત્રોમાંથી મળતી માહીતી મુજબ,એસ.બી.આર.સોશીયલ ફુડ કોર્ટ બિલ્ડર રમણ પટેલના પુત્ર દ્વારા ચલાવવામાં આવતી હતી.તંત્રના કહેવા પ્રમાણે,બાંધકામ ગેરકાયદેસર હોવાથી તોડી પાડવામાં આવ્યું છે.
પાલડી વોર્ડમાં પુરોહિત ચવાણાનું બાંધકામ દુર કરાયું
શહેરના પશ્ચિમ ઝોનના પાલડી વોર્ડમાં શાંતિવન બસ સ્ટેન્ડ પાસે આવેલા પુરોહિત ચવાણા માર્ટની દુકાનના ફ્રંટ માર્જીનની જગ્યામાં 300 ચોરસ ફુટના ગેરકાયદે બાંધકામને દુર કરી પાર્કીંગની જગ્યા ખુલ્લી કરાઈ હતી.અંજલી બ્રીજ પાસે સુસ્મિતા ફલેટની માર્જીનની જગ્યામાં બંધાયેલા 450 ચો.ફુટ અને સારાંશ ગ્રીન ફલેટની માર્જીનની જગ્યાના 350 ચો.ફુટના ગેરકાયદે બાંધકામને દુર કરી પાર્કીંગની જગ્યા ખુલ્લી કરાઈ હતી.
વાસણા વોર્ડમાં સ્વામિનારાયણ પાર્ક-બે પાસેના મ્યુનિ.ના રીઝર્વ પ્લોટ પર બંધાયેલા 16 જેટલા રહેઠાણના કાચા-પાકા બાંધકામો તોડી પડાયા હતા.મધ્યઝોનના બારડોલપુરાના બંસીધર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના શેડ નંબર-છના પહેલા માળનું 1420 ચો,ફુટ બાંધકામ તોડી પડાયુ હતુ.નિકોલ વોર્ડમાં કઠવાડા ચોકડી પાસે મ્યુનિ.ના પ્લોટમાંથી 14 દબાણો દુર કરાયા હતા.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38x7VzB
via IFTTT
Post a Comment