દૂધેશ્વરમાં ગેરકાયદે બંધાયેલું ત્રણ માળનું મકાન તોડી પડાયું


અમદાવાદ, તા. 2 નવેમ્બર, 2020, સોમવાર

અમદાવાદ મ્યુનિ.ના જુદા જુદા વિસ્તારોમાં ચાલતા ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની હાલ ઝુંબેશ ચાલી રહી છે. જેના ભાગરૂપે દૂધેશ્વર પાણીની ટાંકી પાસે, અહેમદહુસૈનની ચાલીમાં વગર પરવાનગીએ ઉભા થઈ ગયેલા ત્રણ માળના મકાનને મધ્ય ઝોનના ટીડીઓ- એસ્ટેટ વિભાગના કાફલાએ આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડયું હતું.

બિલ્ડીંગની નીચે રીયલ કાર કન્સલ્ટન્સી નામની ઓટોની દુકાન હતી અને ઉપર બે માળનું બાંધકામ હતું. આ ગેરકાયદે બાંધકામ અટકાવવા અગાઉ સીલ મરાયું હતું જે તોડીને બાંધકામ કરનારાઓએ તેમની કામગીરી ચાલુ રાખી હતી. આમ પણ ગેરકાયદે બાંધકામો કરનારાઓને ટીડીઓ- એસ્ટેટ ખાતાનો ડર રહ્યો નથી અને ટીડીઓવાળાઓને ઉપરના અધિકારીઓનો જાણે કે ડર રહ્યો નથી.

ઉપરાંત પશ્ચિમ ઝોનના કાફલાએ નવરંગપુરા- એલિસબ્રિજમાં આવેલા કમલ કોમ્પ્લેક્ષના ટેરેસમાં 2000 ચો.ફૂટના શેડને અને ધવલ કોમ્પ્લેક્ષના ટેરેસ પર થઈ ગયેલા 120 ચો. ફૂટના બાંધકામને હટાવીને જગ્યા ખુલ્લી કરાવી છે. જ્યારે પૂર્વ ઝોનના ટીડીઓ ખાતા દ્વારા વસ્ત્રાલથી મહાદેવ એવન્યુ વચ્ચેનો 24 મીટર ટીપી રોડ પર થઈ ગયેલા દબાણો હટાવાયા હતા જેમાં 43 ઝુંપડાઓનો સમાવેશ થાય છે.

ઉપરાંત ઉત્તર પશ્ચિમ ઝોન દ્વારા 18 મીટર પહોળા રોડમાં થઈ ગયેલા 8 ઓટલા, 1 કેબિન, 1 શેડ અને 1 ક્રોસવોલ તોડી પાડવામાં આવેલ છે. તેમજ ઉત્તર ઝોનના ટીડીઓના કાફલા દ્વારા નરોડા દહેગામ રોડ, શ્યામ શિખર રેસીડેન્સી પાછળ અમરનાથ એસ્ટેટમાં થઈ ગયેલા 2370 ચો. ફૂટ ગેરકાયદે બાંધકામ હટાવાયું છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jUKClo
via IFTTT

Post a Comment

أحدث أقدم