
અમદાવાદ, તા. 29 નવેમ્બર, 2020, રવિવાર
રાજકોટ જિલ્લાના ગોંડલનો એક વિચિત્ર કિસ્સો ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આવ્યો છે. અરજદારે કરેલી હેબિયસ કોર્પસમાં રજૂઆત કરવામાં આવી છે કે તેણે અઢી લાખ રૂપિયા આપી વચેટિયાઓના માધ્યમથી મહારાષ્ટ્રની એક યુવતી સાથે કરાવ્યા હતા અને લગ્ન બાદ એક પુત્રનો જન્મ થયો હતો.
ડિસેમ્બર-2019માં પત્ની-પુત્ર અચાનક લાપતા થતાં અને વચેટિઓ દ્વારા વધુ પૈસાની માગણી થતાં પત્ની-પુત્રને પરત મેળવવા આ પતિએ એક વર્ષ સુધી પોલીસ સ્ટેશનના ધક્કા ખઆધા હતા અને લેખિત અરજીઓ કરી હતી, છતાં પરિણામ ન મળતા તેણે હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ કરી હતી. ત્યારબાદ પોલીસે ભાળ મેળવી છે કે પત્નીના બીજે લગ્ન થઇ ચૂક્યા છે અને બે વર્ષના બાળકને તમિલનાડુમાં વેચવામાં આવ્યો છે.
ગોંડલમાં રહેલા અને રાજકોટની મેટલ ફેક્ટરીમાં મજૂરી કરતા પુરૂષે તેના ગોંડલમાં જ રહેતી બે મહિલાઓ રમાબહેન અને રજીયાબહેનના સંપર્કમાં આવ્યો હતો. આ બન્ને મહિલાઓએ તેનો સંપર્ક મહારાષ્ટ્રના વતની સોનુ તુકારામ પાયત સાથે કરાવ્યો હતો.
સોનુએ કહ્યું હતું કે તે તેની બહેન જયશ્રીના લગ્ન આ પુરૂષ સાથે કરાવશે અને બદલામાં રૂપિયા 2.40 લાખ રૂપિયા લેશે. રૂપિયા ચૂકવ્યા બાદ જાન્યુઆરી-2018માં તેના લગ્ન જયશ્રી સાથે થયા હતા અને વૈવાહિક જીવન દરમિયાન એક પુત્રનો જન્મ પણ થયો હતો.
લગ્નના આશરે બે વર્ષ બાદ 7-12-2019ના રોજ સાંજે પતિ નોકરી પરથી પરત ફર્યો તેની પત્ની અને બાળક ઘરમાં નહોતા. વચેટિયા તરીકે કાર્યરત બન્ને મહિલા સમક્ષ આ અંગે રજૂઆત કરાતા તેણે વધુ પૈસાની માગણી કરી હતી.
આ અંગે પતિએ પોલીસમાં વિવિધ લેખિત અરજીઓ કરી હતી અને અંતે તેણે હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસની રિટ કરી રજૂઆત કરી હતી કે આટલી રજૂઆત છતાં પોલીસ કોઇ કાર્યવાહી કરી રહી નથી.
કોર્ટે આ અંગે નોટિસ જારી કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને તેમાં બહાર આવ્યું હતું કે પત્ની જયશ્રીના બીજે લગ્ન કરાવી દેવામાં આવ્યા છે અને આશરે બે વર્ષના બાળકને તમિલનાડુમાં વેચવામાં આવ્યો છે. ગોંડલ સિટી પોલીસ સ્ટેશને 26-11-2020ના રોજ આ અંગે એફ.આઇ.આર. નોંધી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3q5JOyq
via IFTTT
إرسال تعليق