સ્કૂલો શરૂ કરી ચુકેલા રાજ્યો સાથે ચર્ચા બાદ નિર્ણય કર્યો : શિક્ષણમંત્રી


અમદાવાદ, તા. 12 નવેમ્બર, 2020, ગુરૂવાર

ગુજરાત સરકારે 23મી નવેમ્બરથી સ્કૂલો-કોલેજો શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે ત્યારે વાલીઓ હજુ બાળકોને મોકલવા રાજી નથી અને સરકારની જાહેરાતને લઈને વિરોધ સાથે વિવાદ પણ ઉભો થયો છે ત્યારે શિક્ષણમંત્રીએ આજે સ્પષ્ટતા કરી છે કે સ્કૂલો ખોલવાનો નિર્ણય કરી ચુકેલા 13 રાજ્યો સાથે પરામર્શ કર્યા બાદ ગુજરાત સરકારે કેન્દ્રની એઓપી મુજબ નિર્ણય કર્યો છે.

શિક્ષણમંત્રીએ જણાવ્યું કે ગુજરાત પહેલા દેશના 7 રાજ્યોએ સપ્ટેમ્બરમાં અને ત્રણ-ત્રણ રાજ્યોએ ઓક્ટોબર-નવેમ્બરમાં સ્કૂલો કોલેજો ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.

કેટલાક રાજ્યો અગાઉ સ્કૂલો શરૂ પણ કરી ચુક્યા છે અને  જે રાજ્યોએ  ધો.9થી12ના વર્ગો ફરી શરૂ કર્યા છે તે સહિતના રાજ્યો સાથે ચર્ચા પણ કરાઈ છે. ઉપરાંત  રાજ્યમાં શાળાઓ 23મી નવેમ્બરથી શરૂ થાય ત્યારે વિદ્યાર્થીના શાળામાં આવવા અંગેની સંમતિ-મંજૂરી માતા-પિતા કે વાલી પાસેથી લેવાની બાબત ભારત સરકારની માર્ગદર્શિક-એસઓપી અનુસાર જ રાખવામા આવી છે.

વાલીની લેખિત મંજૂરીની બાબત કેન્દ્રની એસઓપીમાં પણ છે. રાજ્ય સરકાર વિદ્યાર્થીઓની સલામતી અને સ્વાસ્થ્ય  બાબતે બાંધછોડ કરવા માંગતી નથી અને જવાબદારીમાંથી છટકવા નથી જ માંગતી.સરકારે નિર્ણય પહેલા દરેક જિલ્લામાંથી ડીઈઓ-ડીપીઓ પાસેથી  અભિપ્રાયો પણ મંગાવ્યા હતા.

તમિલનાડુનો 16 નવે.થી સ્કૂલો કોલેજો ખોલવાનો નિર્ણય મોકુફ

અગાઉ કેટલાક રાજ્યોએ સ્કૂલો -કોલેજો ફરી શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે અને તેમાં એક રાજ્ય તમિલનાડુ પણ છે.તમિલનાડુ દ્વારા 16મી નવેમ્બરથી સ્કૂલો-કોલેજો શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો પરંતુ આજે નિર્ણય પાછો ખેંચવામા આવ્યો છે અને હાલ સ્કૂલો નહી ખોલવા જાહેરાત કરવામા આવી છે જ્યારે  માત્ર પીજીની કોલેજો 16મીને બદલે  ડિસેમ્બરમાં ખુલશે.જો કે મહત્વનું છે કે તમિલનાડુમાં ગુજરાતની સરખામણીએ કોરોનાના કુલ કેસ ખૂબ જ વધારે છે. તમિલનાડુમાં 7.5 લાખ કેસ થઈ ચુકયા છે જ્યારે ગુજરાતમાં 1.84 લાખ કેસ નોંધાઈ ચુક્યા છે.

સરકારે લીધેલા અભિપ્રાયોમાં વાલીઓનો મત લેવાયો કે નહીં?

સરકારે સ્કૂલો ખોલવાનો ફાઈનલ નિર્ણય લેતા પહેલા દરેક જિલ્લામાં મીટિંગો કરાવી અભિપ્રાયો લીધા છે. પરંતુ વાલી મંડળ દ્વારા ફરિયાદ કરાઈ છે કે સ્કૂલો હાલ ન ખોલવી જોઈએ. વાલીઓનો અભિપ્રાય પણ લેવાયો નથી. ડીઈઓ દ્વારા સ્કૂલો સંચાલકો,આચાર્યો -વહિવટી કર્મચારી મંડળ પ્રતિનિધિઓ સાથે મીટિંગ થઈ હતી અને જેમાં વાલી મંડળના પ્રતિનિધિ ન હતા.જો કે દરેક સ્કૂલના આચાર્યને પોતાના બાળકોના વાલીઓનો મત જાણી મીટિંગમાં જણાવવા કહેવામા આવ્યુ હતુ.જેથી સ્કૂલોએ વાલીઓનો અભિપ્રાય લીધો છે.સ્કૂલોએ પણ ધો.10-12ના વર્ગો તો નિશ્ચિત ગાઈડલાઈન બાદ શરૂ કરી દેવા સહમતી દર્શાવી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36t3h3f
via IFTTT

Post a Comment

Previous Post Next Post