
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને વિજય માલ્યાના પ્રત્યાર્પણ મુદ્દે જવાબ આપવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે છ સપ્તાહમાં બ્રિટનમાં ચાલી રહેલી ગુપ્ત કાર્યવાહીની જાણકારી આપે.
સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાના પ્રત્યાર્પણ મુદ્દે કેન્દ્ર સરકારને જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે. આગામી છ સપ્તાહમાં કેન્દ્ર સરકારે વિજય માલ્યાના પ્રત્યાર્પણની પ્રક્રિયા ક્યાં પહોંચી તે અંગે સુપ્રીમ કોર્ટમાં અહેવાલ આપવો પડશે.
એ પછી સુપ્રીમ કોર્ટ આગામી વર્ષે જાન્યુઆરી માસમાં વિજય માલ્યાના કેસની વધુ સુનાવણી હાથ ધરશે. ન્યાયધીશ યૂયૂ લલિત અને ન્યાયમૂર્તિ અશોક ભૂષણની ખંડપીઠે સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું હતું કે બ્રિટનમાં પ્રત્યાર્પણની જે ગુપ્ત પ્રક્રિયા ચાલી રહી છે તેનાથી સુપ્રીમ કોર્ટ અજાણ છે.
એ પહેલાં પાંચમી ઓક્ટોબરે સુનાવણી થઈ ત્યારે વિદેશ મંત્રાલયે અહેવાલ રજૂ કર્યો હતો કે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના પ્રત્યાર્પણનો આદેશ બ્રિટનની કોર્ટે આપ્યો હોવા છતાં તેનાથી પ્રક્રિયા આગળ વધી નથી. તેના માટે કોન્ફિડેન્શિયલ પ્રોસેસ શરૃ કરવામાં આવી છે. સરકારે વિજય માલ્યાના પ્રત્યાર્પણના મુદ્દે ચાલતી પ્રક્રિયાને ગુપ્ત ગણાવીને એ વખતે વધુ વિગતો આપી ન હતી. કોર્ટે એ વખતે તાકીદ કરી હતી કે સરકાર નવેમ્બરમાં જવાબ આપે કે વિજય માલ્યા ક્યાં સુધીમાં કોર્ટમાં રજૂ થઈ શકે તેમ છે.
તેના જવાબમાં કેન્દ્ર સરકારે પ્રક્રિયા ચાલતી હોવાનું ફરી વખત કોર્ટને કહ્યું હતું. કોર્ટે કેન્દ્ર સરકારને છ સપ્તાહનો સમય આપીને જાન્યુઆરીમાં વધુ સુનાવણી કરવાની જાહેરાત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે શું ચાલી રહ્યું છે હવે કોર્ટને પણ જાણવાનું જરૃરી લાગે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34SkCmk
via IFTTT
إرسال تعليق