જાણો, દેશ આઝાદ થયા પછીની પ્રથમ દિવાળીએ ગાંધીજીએ શું કહયું હતું ?


અમદાવાદ,14,નવેમ્બર,2020,શનિવાર 

૧૯૪૭માં ભારત દેશ આઝાદ થયા પછી ૧૨ નવેમ્બરના રોજ પહેલીવાર દિવાળી ઉજવાઇ હતી. આ દિવસે ગાંધીજીએ બિરલા ભવનની પ્રાર્થના સભામાં દિવાળીનો ખાસ ઉલ્લેખ કરતા કહયું હતું કે દિવાળી હિંદુ કેલેન્ડર મુજબ વિક્રમ સંવતનો આ સૌથી મહત્વનો દિવસ છે. પ્રકાશનું પર્વ ગણાતો દિવાળીનો તહેવાર શા માટે ઉજવાય છે તે પણ મહત્વનું છે. રામ અને રાવણ વચ્ચે ભિષણ યુદ્ધ થયું હતું. રાવણ દુષ્ટશકિતઓનો જયારે રામ સકારાત્મક શકિતઓના પ્રતિક સમાન હતા. રામે રાવણ ઉપર વિજય મેળવ્યો હતો અને આ વિજયથી ભારતમાં રામરાજયની સ્થાપના થઇ હતી.


જો કે ખેદની વાત એ છે કે ભારતમાં રામરાજય પ્રવર્તતુ નથી, તો આપણે દિવાળી કેવી રીતે ઉજવી શકીએ? જે લોકોના અંતરમાં રામ વસ્યા છે તેઓ જ આ જીતની ઉજવણી કરી શકે.માત્ર ઇશ્વર જ આપણા આત્માને દેદિપ્યમાન કરી શકે છે અને તે જ સાચો જીવન પ્રકાશ છે.લોકો આજે કૃત્રિમ પ્રકાશને ઝંખે છે પરંતુ આપણેને જરુર છે આપણા હ્વદયમાં પ્રેમ અને દયાની. આપણે સ્વયંમાં પ્રકાશની જયોત પ્રગટાવવી પડશે. તો જ આપણે આપણને બિરદાવી શકીશું. આજે હજારો લોકો તિવ્ર હતાશામાં છે. શું તમારામાંથી કોઇ એક પોતાના હ્વદય પર હાથ મુકીને કહી શકશે કે એ દુખીજન,પછી ભલે એ હિંદુ શીખ કે મુસલમાન હોય એ તમારા ભાઇ કે બહેન છે.? આ તમારી કસોટી છે. રામ અને રાવણ, શુભ અને અશુભ વચ્ચેની અંતહીન લડાઇના પ્રતિકો છે.સાચો પ્રકાશ તો અંદરથી જ આવશે. પંડિત જવાહરલાલ નેહરુ દુખી હ્વદયે ભગ્ન કાશ્મીરને નિહાળીને આવ્યા છે. ગઇ કાલ અને આજે બપોર કારોબારીની બેઠકમાં તેઓ હાજર રહી શકયા ન હતા.


મારા માટે તેઓ બારામુલ્લાથી સુંદર પુષ્પો લાવ્યા છે. કુદરતની આવી ભેટને મેં હંમેશા માણી છે પરંતુ આજે,તે સુંદરભૂમિને લૂંટ અને ખૂનરેજીએ દૂષિત કરી છે. જમ્મુની હાલત પણ કથળેલી છે. સરદાર પટેલને,ઢેબરભાઇ અને શામળદાસ ગાંધીની સલાહ અંગેની વિનંતીને ધ્યાનમાં લેતા જુનાગઢ જવું જ પડયું. આજે દેશમાં શાંતિ અને સદભાવની સ્થાપના માટે પોતાના હ્વદયમાંથી ધિક્કાર અને શંકાને દૂર કરવી જ પડશે. જો તમે ઇશ્વરનું સાનિધ્ય નહી ઇચ્છો અને તમારા આંતરિક મતભેદો અને ઝગડાઓ નહી ભૂલો તો, કાશ્મીર અથવા જુનાગઢ માં સફળતા ઝાંઝવાના જળ જેવી સાબિત થશે. વર્ષ તમને અને તમામ દેશવાસીઓને સુખમય નિવડે અને તમો માત્ર ભારત જ નહી સમગ્ર વિશ્વની સેવા કરો એવી પ્રભુને પ્રાર્થના છે. (પ્રતિકાત્મક ફોટા)



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IDK0UF
via IFTTT

Post a Comment

Previous Post Next Post