રાજ્યમાં દિવાળીની રાત્રે આગની 4 ઘટનાઓ, કેમિકલ કંપની અને દુકાનો ચપેટમાં


અમદાવાદ, તા. 15 નવેમ્બર 2020 રવિવાર

સમગ્ર રાજ્ય જ્યારે દિવાળીના પર્વની ઊજવણી કરી રહ્યું હતું ત્યારે રાજ્યમાં અકસ્માતોની પણ વણઝાર થઈ હતી. ખાસ કરીને આગના અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. રાજ્યમાં દિવાળીની રાત્રે જુદા જુદા ચાર સ્થળો પર આગની ઘટના સામે આવી છે. આ આગની ઘટનામાં અમદાવાદ, વલસાડ, ગોધરા અને સુરતમાં દુર્ઘટનાઓ સર્જાઈ હતી. 

જોકે, આ ઘટનાઓમાં રાત્રિનો સમય હોવાથી અને ખાસ કરીને દિવાળીની રજાના માહોલના કારણે કોઈ જાનહાનિ સર્જાઈ નથી. વલસાડ જિલ્લાના ઉમરગામ જીઆઇડીસીમાં એક કંપનીમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી.

અડધી રાત્રે ઉમરગામ જીઆઇડીસીના થર્ડ ફેસમાં આવેલી એક કેમિકલ કંપનીમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. સોવેન કેમિકલ્સ નામની કંપનીમાં કેમિકલ બનતું હોવાથી તૈયાર અને કાચો સામાન મોટી માત્રામાં હોવાથી થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને કંપની નો મોટો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો. 

ઘટનાની જાણ થતાં જ ઉમરગામની ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા. ગોધરા શહેરમાં સ્ટેશન રોડ પર આવેલા ઝૂલેલાલ મંદિર પાસે આવેલી કાપડની દુકાનમાં આગની ઘટના સામે આવી હતી. નગરપાલિકાની ફાયરની ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવતા આગ કાબુમા આવી હતી પરંતુ લાખો રૂપિયાની કિંમતનો કાપડનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો.

સુરતમાં લસકાણા વિસ્તારમાં આવેલા જલારામ સ્ટીલ ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 10 ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આ ઘટનામાં જાનહાનિ થઈ નથી.

અમદાવાદના ઇન્કમટેક્સમાં આવેલા હરસિદ્ધી ચેમ્બરમાં આગ ભભૂકી ઊઠી હતી. અહીંયા એક રેફ્રીજરેટર રિપેરીંગની દુકાનમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા વળ્યા હતા. જોકે, સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા બંધ દુકાનમાં લાગેલી આગ બુજાવાઈ હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35x2pLK
via IFTTT

Post a Comment

أحدث أقدم