વેપારીને 22 લાખનું નુકસાન કરી ખોટા કેસમાં ફસાવવાની ધમકી


અમદાવાદ, તા. 6 નવેમ્બર, 2020, શુક્રવાર

નવરંગપુરામાં રહેતા અને ફેક્ટરી ધરાવતા વેપારીએ કોલસાની દલાલી કરતા પિતા પુત્ર પાસેથી કોલસાનો માલ ખરીદ્યો હતો. જોકે આરોપીઓએ ઈમ્પોર્ટેડ કોલસાને બદલે ભાવનગરનો કોલસો પધરાવી વેપારીને 22 લાખનું નુકશાન કર્યું હતું. ઉપરાંત તેમણે વેપારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. વાડજ પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

નવરંગપુરામાં દેવજીત નહેરૂપાર્ક સોસાયટીમાં રહેતા રાહુલભાઈ ભરતભાઈ વછેટા(34) દુધેશ્વર રોડ પર કાપડ ડાઈંગ તથા પ્રિન્ટીંગ માટેની ફેક્ટરી ધરાવે છે. ફેક્ટરીમાં સ્ટીમ બોઈલરમાં કોલસાની જરૂર પડતી હોવાથી તેમણે કોલસાની દલાલી કરતા અને નવરંગપુરામાં ઓફિસ ધરાવતા નવીનચંદ્ર એમ.શાહ અને હેતલએન.શાહનો સંપર્ક કર્યો હતો. તેમણે રાહુલભાઈને ઈન્ડોનેશીયાનો કોલસો રૂ.4,500 માં ટનના ભાવે આપશે કહ્યું હતું. 

આથી રાહુલભાઈએ સાતેક મહિના તેમની પાસેથી કોલસો ખરીદ્યો હતો. બાદમાં તેમના ધ્યાનમાં આવ્યું કે આરોપીઓ કોલસાનું વજન વધારવા તેની પર પાણીનો છંટકાવ કરી છેતરપિંડી કરે છે.તેમણે ફેક્ટરીની લેબોરેટરીમાં કોલસો ચેક કરતા કોલસો ઈન્ડોનેશીયાથી આવતો ન હોવાનું અને ઈન્ડીયન લિગ્નાઈટ હોવાનું જણાયું હતું. 

ભાવનગરથી આવતો આ કોલસો રૂ.1800માં ટનના ભાવે મળતો હોવાનું જણાયું હતું. રાહુલભાઈે આરોપીઓને 46 લાખ ચુકવ્યા હતા. જેમાંથી તેમને 22 લાખ જેટલું નુકશાન થયું હતું. આ અંગે તેમણે નવીનભાઈને વાત કરતા તેમણે ભુલ સ્વીકારી નુકશાન પરત કરશે પણ તેમની વિરૂધ્ધ કોઈ કેસ ન કરવા કહ્યું હતું.જોકે પૈસા પરત માંગતા આરોપીઓએ રાહુલભાઈને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32nmr9v
via IFTTT

Post a Comment

أحدث أقدم