
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 4 નવેમ્બર, 2020, બુધવાર
ખેતીની જમીન ખરીદી શકે તેમ ન હોવા છતાંય પૂર્વ મંજૂરી લીધા વિના ગણોતધારાની કલમ 63ની જોગવાઈનો ભંગ કરીને શ્રી સરસ્વતી સ્મૃતિ ખેતી સહકારી મંડળીને નામે જમીન ખરીદી આ ગેરરીતેને છુપાવવા મંડળીને શ્રી સરસ્વતી સ્મૃતિ કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી લિમિટેડમાં રૂપાંતરિત કરીને ગેરરીતિ આચર્યા બાદ આ જમીન પોતાના નામે ચઢાવી દેનાર રમણ પટેલના કબજાની અને અમદાવાદના સિંધુભવન માર્ગ પર તાજ હોટેલની નજીક આવેલી અંદાજે 21000 ચોરસ મીટરથી વધુ જમીન શ્રી સરકાર કરી દેવાનો હુકમ 28મી ઓક્ટોબરે ઘાટલોડિયાના મામલતદાર અને કૃષિપંચ અધિકારી એસ.જે.રબારીએ કર્યો છે.
વાસ્તવમાં ઘાટલોડિયાના સર્વે નંબર 465/1ની 4452 ચોરસ મીટર, 465/2ની 6070 ચોરસ મીટર અને સર્વેનંબર 471ની 11,837 ચોરસ મીટર જમીન પોચાભાઈ વિરમભાઈના નામે હતી.
પાંચાભાઈના નિધન બાદ તેમના વારસોએ વારસાઈ હકથી પોતાના નામે તબદિલ કરાવેલી હતી. રમણ ભોળીદાસ પટેલે તેમનો પાવર ઓફ એટર્ની પોતાની પાસે હોવાનું દર્શાવીને શ્રી સરસ્વતી સ્મૃતિ ખેતી સહકારી મંડળીને વેચાણ દસ્તાવેજ કરીને 1991ના સપ્ટેમ્બર માસમાં વેચાણ કરી દીધી હતી.
પરંતુ શ્રી સરસ્વતી સ્મૃતિ ખેતી સામુદાયિક સહકારી મંડળી ખેડૂત ખાતેદાર ન હોવાથી તે આ જમીન ખરીદી શકે તેમ ન હોવાથી હકીકતને છુપાવવા માટે રમણ પટેલે સહકારી મંડળીને શ્રી સરસ્વતી સ્મૃતિ કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી લિમિટેડમાં રૂપાંતરિત કરી દીધી હતી. પરંતુ શ્રી સરસ્વતી સ્મૃતિ ખેતી સામુદાયિક સહકારી મંડળીએ ખેતીની જમીન ખરીદી ત્યારે કોઈ પૂર્વ પરવાનગી લીધી નહોતી.
જિલ્લા રજિસ્ટ્રારને આ જમીનની ખરીદી બાબતે નિર્ણય કરવાની કોઈ જ સત્તા ન હોવા છતાંય તેમણે જુલાઈ 1993માં હુકમ કરીને શ્રી સરસ્વતી સ્મૃતિ કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ વિભાગ-6નાનું નામ નમૂના નંબર 4થી પેટા નિયમ નંબર 1ની જોગવાઈઓ મુજબ સારંગા કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના નામથી ખોટી મંજૂરી આપી હતી.
સારંગા કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી વતીથી તેના સેક્રેટરી પ્રથમેશ છગનભાઈ પટેલે આ જમીન રમણ પટેલ, દશરથ પટેલ, છગન પટેલ, કોકિલા છગન પટેલ, મયુરિકા રમણ પટેલના નામે તબદિલ કરી આપી હતી.
આમ પહેલા સહકારી મંડળી, પછી હાઉસિંગ સોસાયટી અને ત્યારબાદ પોતાના પરિવારના સભ્યને નામે તેમણે જમીનની માલિકી તબદિલ કરાવી લીધી હતી. આ અનિયમિતતા આચરનાર રમણ પટેલે ખેડૂત ખાતેદારની કેટેગરીમાં ન આવતી સહકારી મંડળીને નામે કલેક્ટરની પૂર્વપરવાનગી વિના જમીન ખરીદી લીધી હતી.
તેમ કરીને રમણ પટેલે ગણોતધારાની કલમ 63નો ધરાર ભંગ કર્યો હતો. પરિણામે આ વહેવારો માન્ય ગણી શકાય તેમ ન હોવાનું જણાવીને ગણોતધારાની કલમ 84 (સી) હેઠળ તબદિલીના વ્યવહારોને અમાન્ય જાહેર કરીને આ જમીન તમામ બોજા રહિત સરકાર હસ્તક દાખલ કરવાનો હુકમ કર્યો છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mU3SRW
via IFTTT
Post a Comment