
અમદાવાદ, તા. 6 નવેમ્બર, 2020, શુક્રવાર
અમદાવાદમાં કોરોનાનો ભરડો યથાવત્ રહેવા પામ્યો છે. મ્યુનિ.નું હેલ્થ ખાતું સામેથી જઈને દુકાનદારોન ટેસ્ટ કરે છે ત્યારે એક પણ લક્ષણ ન હોય તેવી વ્યક્તિઓના રિપોર્ટ પણ પોઝિટિવ આવી રહ્યા છે.
આવા લોકોના રેપિડ એન્ટિજન ટેસ્ટ થાય નહીં ત્યાં સુધી તે કરિયર તરીકે સંક્રમણ ફેલાવતા રહે છે. દરમ્યાનમાં આજે એક જ દિવસમાં સરકારી યાદી મુજબ વધુ 160 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
જ્યારે જુદી જુદી હૉસ્પિટલોમાં સારવાર દરમ્યાન વધુ બે દર્દીઓના કરૂણ મૃત્યુ થયા છે. જ્યારે સાજા થઈ ગયેલા 228 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. મ્યુનિ.ની હદમાં અત્યાર સુધી નોંધાયેલા દર્દીઓનો આંકડો 45620ને આંબી ગયો છે. જેમાંથી 1865 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે કોરોનાને હરાવીને સાજા થયેલા 35906 લોકો ડિસ્ચાર્જ થયા છે.
બીજી તરફ સારવાર હેઠળના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને હાલ 2799 થઈ છે. જેમાં સૌથી વધુ નવા પશ્ચિમના બે ઝોનના સેટેલાઇટ, બોડકદેવ, થલતેજ, વેજલપુર, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, મક્તમપુરા, સરખેજના જ 902 છે, જ્યારે પશ્ચિમ ઝોનના 453 છે પૂર્વ પટ્ટાના મધ્ય ઝોન, દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન, પૂર્વ ઝોનના 1444 દર્દીઓ સારવાર હેઠળ છે.
એક્ટિવ કેસોમાં ઘટાડો નોંધાયા બાદ ફરીથી વધારો નોંધાવાનું શરૂ થાય છે ખાનગી હોસ્પિટલોના પ્રાઇવેટ બેડ પર 1188 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જ્યારે 867 બેડ હાલ ખાલી છે. જો કે 176 દર્દીઓ આઇસીયુમાં છે અને 86 હાલ વેન્ટીલેટર ઉપર છે. મોટી ઉંમરના લોકો માટે કોરોના ઘાતક સાબિત થાય છે. કોરોના સંપૂર્ણપણે હજી ગયો નથી, જવાના કોઈ લક્ષણો પણ નથી. દુનિયાભરમાં હળવાશ બાદ ફરી માથું ઉંચકે છે. બીજો- ત્રીજો રાઉન્ડ લે છે. આ સંજોગોમાં માત્ર માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સિંગ જ એકમાત્ર ઉપાય હોવાનું ડોક્ટરો જણાવે છે.
શક્તિસિંહ ગોહિલ કોરોના સંક્રમિત
અમદાવાદ, શુક્રવાર
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં શનિવારે અંતિમ તબક્કાનું મતદાન છે ્ત્યારે કોંગ્રેસ માટે આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. બિહાર કોગ્રેસના પ્રભારી-રાજ્યસભામાં ગુજરાતના સાંસદ શક્તિસિંહ ગોહિલ કોરોના સંક્રમિત થયા છે. શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરી છે કે, 'આજે મેં કોરોનાનો આરટી-પીસીઆર ટેસ્ટ કરાવ્યો છે અને જેમાં હું કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. તમારી શુભેચ્છાઓ દ્વારા કોરોના સામે પણ લડી લઇશ. કોઇ ચિંતાની વાત નથી.'
નવા ચાર સ્થળ માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં મુકાયા
અમદાવાદ,શુક્રવાર
શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યાને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા ચાર સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે. નવા સ્થળમાં એવલોન પાર્ક, વટવા, લેકવ્યુ એપાર્ટમેન્ટ, મણિનગર, ગણેશ જીનેસીસ, જગતપુર અને ચાંદલોડિયાના શુકન ગોલ્ડ એપાર્ટમેન્ટના સંક્રમિત સ્થળનો સમાવેશ થાય છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38hLAWG
via IFTTT
Post a Comment