
અમદાવાદ, તા. 3 નવેમ્બર, 2020, મંગળવાર
અમદાવાદમાં કોરોનાનો વાઇરસ અગાઉ કરતાં ધીમો અને ઢીલો પડયો છે, તેવા રાહતના સમાચાર વચ્ચે નિષ્ણાંતો એવી ભીતિ પણ ભારપૂર્વક વ્યક્ત કરી રહ્યા છે કે જાન્યુઆરી- ફેબુ્રઆરીમાં શિયાળાની ઠંડી વચ્ચે બીજો રાઉન્ડ ચાલુ થશે.
હાલ નવા આવતા કેસોમાંથી મોટા ભાગના લક્ષણો વગરના કે હળવા લક્ષણો સાથેના હોવાથી ઘેરબેઠા જ હોમ- આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે. લક્ષણોવાળા હોસ્પિટલોમાં દાખલ થાય છે. દરમ્યાનમાં આજે એક જ દિવસમાં સરકારી યાદી અનુસાર વધુ 154 લોકો સંક્રમિત થયા છે. બીજી તરફ સારવાર લઇ રહેલા દર્દીઓમાંથી બેના મૃત્યુ નોંધાયા છે. જ્યારે સાજા થઇ ગયેલાં 150 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે.
મ્યુનિ. કોર્પોરેશનની હદમાં અત્યાર સુધી નોંધાયેલા કુલ દર્દીઓની સંખ્યા 45140ના આંકડે પહોંચી ગઇ છે. જ્યારે 1858 દર્દીઓએ તેમની મહામુલી જીંદગી ગુમાવી છે. 35366 લોકો કોરોનાને હરાવીને સાજા થઇ ગયા છે. સાજા થઇ ગયેલાં લોકોને ત્યારપછી અશક્તિ સહિત નાની મોટી શારીરિક તકલીફો પડે છે.
દરમ્યાનમાં એક્ટિવ કેસો ઘટીને 2794 થઇ ગયા છે જેમાંથી પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1336 અને પૂર્વ પટ્ટામાં મધ્યઝોન, દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન, પૂર્વઝોનના 1428 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે ખાનગી હોસ્પિટલોના 2056 પ્રાઇવેટ બેડ પૈકી 1146માં દર્દીઓ છે, જ્યારે 910 બેડ હાલ ખાલી પડયા છે એટલે કે 44.26 ટકા બેડ ખાલી છે.
જોકે આઇસીયુના 163 બેડ ભરાયેલાં છે, તેમજ 83 દર્દી વેન્ટીલેટર ઉપર છે. બીજી તરફ સૌથી મોટો તહેવાર દિવાળી નજીક આવી ગઇ છે. એ ગાળામાં કોરોના વકરવાની ભીતિ વ્યક્ત થઇ રહી છે. કેમકે ત્રણ દરવાજા જેવા બજારોમાં એકઠી થતી ભીડમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાતું નથી.
તહેવારમાં એકબીજાને મળવાનું, મીઠાઇ ખાવાની અને બેવડી ઋતુની અસરના કારણે શરદી, ખાંસી, વાયરલ ઇન્ફેકશનના કેસોમાં વધારો થશે. ફટાકડા અને દારૂખાનુ કેટલા પ્રમાણમાં ફુટશે તે નક્કી નથી, પણ તેના ઝેરી ધુમાડાની કોરોનાના સાજા થયેલાં દર્દીઓ પર પણ માઠી અસર થશે તેમ જણાય છે. આ સંજોગોમાં લોકો સ્વયં શિસ્ત પાળે તે અત્યંત જરૂરી હોવાનું ડોકટરો જણાવે છે.
મેયરના અંગત સહાયક કોરોના પોઝિટિવ
અમદાવાદ, મંગળવાર
અમદાવાદ શહેરના મેયર બિજલ પટેલના અંગત સહાયક કોરોના પોઝિટિવ થતા તેમને સારવાર માટે એસ.વી.પી. હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઉપરાંત નવા પશ્ચિમ ઝોનમાં મંગળવારે વધુ એક કર્મચારી કોરોના પોઝિટિવ થયા હોવાનું જાણવા મળે છે. મળતી માહીતી મુજબ, મેયરના અંગત સહાયક તરીકે કામ કરતા ભાગ્યેશ દેસાઈનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને હોસ્પિટલ ખસેડાયા બાદ મેયર હોમ કવોરન્ટાઈન થશે કે કેમ? એ બાબતની ચર્ચા મ્યુનિ.વર્તુળોમાં થતી હતી. મેયર સુધી પહોંચતી તમામ ફાઈલ પણ અંગત સહાયક દ્વારા જતી હતી.મેયર પોતે પણ માસ્ક ન પહેરવા જેવી બાબતમાં અગાઉ વિવાદનું કેન્દ્ર બન્યા હતા.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kWZ2CO
via IFTTT
إرسال تعليق