ધો. 10 અન્ય રાજ્યમાંથી ભણનાર વિદ્યાર્થીને મેડિકલમાં પ્રવેશ મળશે


અમદાવાદ, તા. 9 નવેમ્બર, 2020, સોમવાર

હાઈકોર્ટના આદેશને પગલે સરકારે ધો.10 અન્ય રાજ્યમાંથી કરનાર વિદ્યાર્થીને મેડિકલમાં પ્રવેશને લઈને આજે મહત્વનો નિર્ણય કર્યો છે.જે મુજબ સરકારે ચાલુ વર્ષ માટે અન્ય રાજ્યમાંથી ધો.10 ભણનાર વિદ્યાર્થીને મેડિકલ-ડેન્ટલ,હોમિયોપેથી-આયુર્વેદમાં પ્રવેશની છુટ આપી છે.

સરકારે 23 જુન 2017ના રોજ મેડિકલ પ્રવેશ માટેના નવા નિયમો જાહેર કરીને ધો.12 સાથે ધો.10 પણ ગુજરાતમાંથી કર્યુ હોય તેવા વિદ્યાર્થીને જ મેડિકલમાં પ્રવેશ મળશે તેવુ જાહેર કર્યુ હતુ.તે સમયે હાઈકોર્ટમાં પીટિશન થતા આદેશ અનુસાર 2017માં અને ત્યારબાદ પણ કોર્ટ કેસ સાથે સરકારે 2018 અને 2019માં એમ ત્રણ વર્ષ સુધી ધો.10 અન્ય રાજ્યમાંથી ભણનાર વિદ્યાર્થીને મેડિકલ પ્રવેશની છુટ આપી હતી.

જ્યારે આ વર્ષે સરકારે જાહેર કરેલા નિયમોમાં ધો.10નો નિયમ ફરજીયાત કરાતા એક વિદ્યાર્થિનીએ હાઈકોર્ટમાં પીટિશન કરી હતી.જેના કેસમાં હાઈકોર્ટે સરકારને ફેરવિચારણા કરવા આદેશ કર્યો હતો.જેના અનુસંધાને સરકારે આજે ફરી એકવાર છુટ આપતો નિર્ણય જાહેર કર્યો છે.

જે મુજબ જુન 2017 પહેલા ધો.10માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીને ચાલુ શૈક્ષણિક વર્ષ 2020-21 માટે મેડિકલમાં પ્રવેશ અપાશે.સરકારના આ નિર્ણયને પગલે મેડિકલ રજિસ્ટ્રેશન મુદત કે જે આજે પૂર્ણ થઈ ગઈ હતી તે એક દિવસ વધારી 10મી સુધી કરાઈ છે.હાલ 23934 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કર્યુ છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32qXZnK
via IFTTT

Post a Comment

Previous Post Next Post