ગુજરાતના યુવકોને દુબઈ લઈ જઈ IPL સટ્ટા બૂકિંગ કરાવવાનો ખેલ


અમદાવાદ, તા. 30 ઓક્ટોબર, 2020, શુક્રવાર

ક્રિકેટ સટ્ટામાં એક સમયે કલગીનું નામ ચર્ચામાં હતું. માણસો રાખીને રમાડતા સટ્ટાકીંગ કલગી તો હવે રહ્યાં નથી પણ તેને એક વખત તો કાયદાનો ખરો સ્વાદ ચાખવો પડયો હતો.

હવે, સમય સાથે ક્રિકેટ સટ્ટો મોબાઈલ ફોન પર રમાવો શરૂ થયો છે. સટ્ટો ઓનલાઈન થઈ ગયો છે અને કાયદાની આંટીઘૂંટીથી બચવા માટે બૂકીઓ હવે તેમના સર્વર વિદેશમાં રાખવા લાગ્યાં છે.

આ વર્ષે આઈપીએલના સટ્ટાના બૂકીનું હબ દૂબઈ બની ગયું છે. ગુજરાતના અનેક નામચિન બૂકીઓએ દૂબઈમાં ધામા નાંખ્યાં છે. ચોંકાવનારી બાબત એ છે કે, ગુજરાતમાં કાર્યરત 2000 એપ્લિકેશનથી સટ્ટો બૂક કરવા માટે અને તેના હિસાબો રાખવા માટે ગુજરાતથી યુવકોને દૂબઈ લઈ જવામાં આવ્યાં છે. 

ઈ-સટ્ટાનું આગમન થયું તે સાથે જ મુળ રાજકોટનો આર.આર. નામનો બૂકી એટલો સક્રિય થયો છે કે દેશભરમાં જ નહીં છ દેશમાં તેનું નેટવર્ક સ્થાપિત કરી ચૂક્યો છે. આર.આર. ભારત ઉપરાંત પાકિસ્તાન, શ્રીલંકા, બહેરીન, દુબઈ, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં નેટવર્ક ગોઠવી ચૂક્યો છે.

આર.આર. વિવિધ સટ્ટા વેબસાઈટથી સટ્ટો બૂક કરતાં બૂકીઓને આઈડી તૈયાર કરી આપી પોતાના એક્સચેન્જમાં સામેલ કરી 10-12 ટકા કમિશનથી અબજો રૂપિયાનો સટ્ટો રમાડી રહ્યો છે. કમનસીબે, મૂળ રાજકોટના અને નવા સટ્ટાકીંગને ગુજરાત પોલીસ નાથી શકતી નથી.

આઈપીએલ શરૂ થાય તે સાથે ક્રિકેટ સટ્ટો પૂરબહારમાં ખિલે અને ખૂલે છે. છેલ્લા પાંચ વર્ષમાં ક્રિકેટ સટ્ટા બૂકીંગની આખી પદ્ધતિ બદલાઈ ગઈ છે. એક સમય હતો કે જ્યારે, ક્રિકેટ સટ્ટો બૂક કરાવવા માટે પન્ટર કે ખેલીએ રૂબરૂ જવું પડતું હતું. પરંતુ, મોબાઈલ ફોનના યુગમાં ઓનલાઈન એપ્લિકેશન (આઈડી)ની લિન્ક આપી દેવામાં આવે છે.

નિશ્ચિત રકમનું ઓનલાઈન પેમેન્ટ કરી એક વખત નોંધણી થઈ જાય એટલે પાસવર્ડથી ગમે તે સ્થળે ઉભાં ઉભાં કે ચાલુ કારમાં પણ સટ્ટો બૂક કરવામાં આવે છે. ઓનલાઈન થયાં પછી ક્રિકેટ સટ્ટાનું પ્રમાણ અનેકગણું વધ્યું છે. ઈ-સટ્ટાની નવી પદ્ધતિ અંગે ચોંકાવનારી વિગતો આપતાં બૂકી બજારના સૂત્રો કહે છે કે, ગુજરાતમાં આર.આર., વિશાલ, દિનેશ ખંભાત, ટોમી ઊંઝા, ગુગલ દિલ્હી અને ફ્રીડમ નામના બૂકીઓ સક્રિય છે.

આર.આર. એટલે કે રાકેશ રાજકોટ, વિશાલ અમદાવાદ, દિનેશ ખંભાત, ટોમી ઊંઝા મુળ ગુજરાતના છે. ગુજરાત ઉપરાંત દેશના બે ડઝન જેટલા બૂકીઓ આ આઈપીએલમાં દૂબઈથી સટ્ટા નેટવર્ક ચલાવી રહ્યાં છે. ગુજરાતમાં બે ડઝન જેટલા મુખ્ય બૂકીઓ થકી 4000 જેટલી એપ્લિકેશન ફરતી કરી દેવામાં આવી છે.

4000 એપ્લિકેશન કે આઈડી  પન્ટરો ગુજરાતના લાખો યુવકાને તેમના મોબાઈલ ફોનમાં ડાઉનલોડ કરાવી ચૂક્યાં છે. આઈપીએલની મેચ ચાલતી હોય ત્યારે ઘરમાં બેઠાં બેઠાં પણ મોબાઈલ ફોન જોતાં હોય તેમ યુવકો સટ્ટો રમી નાંખે છે. આમ, ઓનલાઈન સટ્ટો હવે ઘર-ઘર સુધી પહોંચ્યો છે.

લંડન અને નેધરલેન્ડમાં સર્વર રાખીને દૂબઈ બેઠાં-બેઠાં સટ્ટાનું સંચાલન કરી ગુજરાતના લાખો યુવકોને સટ્ટા બુકીંગ કરાવવાનો ખેલ ચાલી રહ્યો છે. સટ્ટાના આ ખેલમાં એક એપ્લિકેશનમાં નાણાં ખલાસ થાય તો સટ્ટાનો ખેલી બીજી એપ્લિકેશનમાં સટ્ટો બૂક કરી બરબાદીની ગર્તામાં ધકેલાઈ જાય છે. સટ્ટાબજારે આઈપીએલ પૂરી થાય એટલે 20 ટકા નાણાં ગુમાવવા પડે છે.

તા. 10ના રોજ આઈપીએલ પૂરી થાય પછી બૂકી બજારમાં નાણાંકીય લેવડદેવડમાં વિવાદી ઘટનાઓ બનશે પણ પોલીસ ફરિયાદની સંભાવના રહેતી નથી. એક સમય હતો કે જ્યારે, પાકિસ્તાનનો એલ.સી. નામનો બૂકી સર્વોપરી હતો. હવે, ઈ-સટ્ટા કીંગ તરીકે ગુજરાતના આર.આર.નું નામ સપાટી પર છે અને ભાવ પણ તે જ નક્કી કરે છે એમ ક્રિકેટ સટ્ટાબજારમાં ચર્ચાય છે.

દેશમાં જુદા-જુદા નામની બેટિંગ વેબસાઈટ સાથે 4000થી વધુ એપ્લિકેશન બનાવડાવી સટ્ટા બૂકીંગ લેવાય છે તેમાં અડધી 2000 ગુજરાતની છે. બૂકી બજાર કહે છે કે, અત્યારે તો સાંજ પડે એટલે એક નવી સટ્ટા એપ્લિકેશન આવી જાય છે. ઓનલાઈન પેમેન્ટ અને ઓનલાઈન સટ્ટાની જુગલબંધીથી યુવા પેઢી બરબાદ થઈ રહી છે. કાયદો અને સરકાર તોસ્તાન બની ચૂકેલાં ઓનલાઈન સટ્ટાને અટકાવવા વામણાં જણાઈ રહ્યાં છે.

મોબાઈલ ફોન પર 24 કલાક જુદા-જુદા જુગાર રમાડવાનું તેવું નેટવર્ક

વિદેશથી ચલાવાતો ઓનલાઈન સટ્ટો માત્ર ક્રિકેટ પૂરતો સીમિત નથી. ક્રિકેટ મેચો ચાલતી હોય ત્યારે ક્રિકેટ સટ્ટો ધમધોકાર ચાલે છે. પણ, બાકીના દિવસોમાં વિશ્વમાં ચાલતી ફૂટબોલ, ટેનિસ, વોલીબોલ સહિતની જુદી જુદી રમતો ઉપરાંત ઓનલાઈન કેસિનો થકી સટ્ટો સતત ચાલતો રહે છે. મોબાઈલ ફોન પર 24 કલાક જુદા-જુદા પ્રકારના જુગાર 365 દિવસ ચાલુ જ હોય છે. એક વખત જુગારની લત લાગી પછી અનેક યુવકો કોઈને કોઈ સટ્ટામાં ગળાડૂબ રહી પોતાનાં નાણાં અને જીંદગી બરબાદ કરે છે.

કોરોનામાં સટ્ટો થોડો ઘટયો: પાંચ દિવસ કમાતાં પન્ટરોની કમાણી શનિવારે સાફ

બૂકીબજારના સૂત્રોના મતે કોરોનાના કારણે પૈસાની અછતથી ગુજરાતમાંથી ક્રિકેટ સટ્ટા બુકીંગની રકમમાં 10થી 20 ટકા જેટલો ઘટાડો થયો છે. એજ રીતે મુંબઈમાં પણ આર્થિક તંગીની અસરથી સટ્ટો 20-30 ટકા જેટલો ઘટયો છે. કાયમ ગુજરાતમાંથી મહત્તમ સટ્ટો રમાતો હોય છે. પણ, આ વર્ષે રાજસ્થાન, દિલ્હી, પંજાબથી સૌથી વધુ પૈસા ક્રિકેટ સટ્ટા બૂકીંગમાં નોંધાઈ રહ્યાં છે. બૂકી બજારના સૂત્રો તો ત્યાં સુધી કહે છે કે, ઓનલાઈન સટ્ટામાં બૂકીઓ ખેલ કરી પન્ટરોેને નવડાવે છે. સોમથી શુક્રવાર સુધી પન્ટરો કમાયાં હોય તે રકમ શનિવાર એક જ દિવસની મેચમાં સાફ કરી નાંખવામાં આવે છે ને બૂકીઓ નફો અંકે કરી લે છે.

એક આઈડી બ્લોક કરે તો સીધી બીજા પર સટ્ટો બુક થવા લાગે!

યુવા વર્ગને બરબાદ કરતાં સટ્ટાને અટકાવવા પોલીસ સામાન્ય કેસ કરે છે પણ મૂળ સુધી કોઈ દિવસ પહોંચતી નથી. આવું થવાનું કારણ આપતાં અધિકારી સૂત્રો કહે છે કે, સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એવો પ્રયાસ કરાયો હતો કે વિદેશમાં સર્વર સક્રિય છે તેવી સટ્ટા વેબસાઈટને બ્લોક કરવામાં આવે. પણ, બૂકીઓ એટલા એડવાન્સ છે કે, તેમની અલગ-અલગ નામની વેબસાઈટ કાર્યરત છે. પોલીસ એક વેબસાઈટ બ્લોક કરે તો સટ્ટો તરત જ બીજી વેબસાઈટમાં નોંધાવા લાગે છે. ઉદાહરણરૂપે ગુજરાતમાં મહત્તમ સટ્ટો જેના પર બૂક થાય છે તે ડાયમંડ એક્સચેન્જને બ્લોક કરાય તો સટ્ટો ડાયમંડ-3, 999 સહિતની તેની અન્ય વેબસાઈટ થકી એ જ બૂકી પાસે નોંધાવા લાગે છે. આ મામલે કેન્દ્ર સરકારને જાણ કરવામાં આવી છે. જો કે, કોઈ પગલાં લેવાય તે પહેલાં આઈપીએલ ખતમ થઈ જશે ને કરોડો રૂપિયાનો સટ્ટો ખેલાઈ જશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oIMh1i
via IFTTT

Post a Comment

Previous Post Next Post