તમામ કોવિડ હોસ્પિટલોમાં જરૂરી સ્ટાફ અને સુવિધાઓ છે : સરકાર


અમદાવાદ, તા. 8 ઓક્ટોબર, 2020, ગુરૂવાર

રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં જરૂરી મેડિકલ-પેરામેડિકલ સ્ટાફ તેમજ બેડ, દવાઓ, વેન્ટિલેટર, ઓક્સિજન સપ્લાય સહિતની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં હોવાની રજૂઆત રાજ્ય સરકારે કરી છે.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ અંગે ગુજરાત હાઇકોર્ટે હાથ ધરેલી સુઓમોટો સુનાવણીમાં રાજ્ય સરકારે આ જવાબ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં મુખ્યત્વે રાજકોટ જિલ્લામાં કોરોના સામે લેવાયેલા પલગાં અંગે વિગતો કરવામાં આવી છે.

રાજ્ય સરકારની રજૂઆત છે કે હાઇકોર્ટના આદેશ બાદ પાંચ સિનિયર આઇ.એ.એસ. અધિકારીઓને સરકારી હોસ્પિટલોની પરિસ્થિતિના નીરિક્ષણની જવાબદારી સોંપવામાં આવી હતી. આ અધિકારીઓએ તેમને સોંપવામાં આવેલા વિસ્તારોની સરકારી હોસ્પિટલો અને દવાખાનાઓની મુલાકાત લીધી હતી. ત્યાં તેમના ધ્યાને આવેલી બાબતો અંગે સરકારનું ધ્યાન  દોર્યુ છે અને કેટલાંક સૂચનો પણ કર્યા છે.

રાજ્યભરમાં અત્યારે 50,022 આઇસોલેશન બેડ, 5000 આઇ.સી.યુ. બેડ અને 3410 વેન્ટિલેટર ઉપલબ્ધ છે.  આ ઉપરાંત સરકારી અને ખાનગી એક કુલ 723 ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ, કોવિડ હેલ્થ સેન્ટર અને કોવિડ કેર સેટન્ટર રાજ્યભરમાં કાર્યરત છે. કોવિડ કામગીરી સ્ટાફને બોજારૂપ ન લાગે તે માટે તેમને ડબલ બોન્ડ, ઇન્સેન્ટિવ અને સર્ટિફિકેટ આપવામાં આવે છે.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અત્યારે પ્રત્યેક આઇ.સી.યુ. બેડ પર ચાર નર્સ છે. રાજકોટની સિવિલની કોવિડ હોસ્પિટલમાં અત્યારે 322 રેસિડેન્ટ ડૉક્ટર, 203 ફેકલ્ટી, 154 ઇન્ટર્ન, 130 અંડર ગ્રેજ્યુએટ મેડિકલ સ્ટુડન્ટ, 46 કન્સલટન્ટ ફરજ પર છે.

આ ઉપરાંત વિવિધ કેડરમાંથી ડેપ્યુટેશન પર આવેલા સંખ્યાબંધ તબીબો અને નિષ્ણાતો પણ અહીં કાર્યરત છે. સારવાર અને સુવિધા ઉપરાંત દર્દીઓને યોગ્ય વાતાવરણ મળી રહે તે અંગેની તકેદારી પણ અહીં રખાઇ રહી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GP9pK1
via IFTTT

Post a Comment

أحدث أقدم