
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 13 ઓક્ટોબર, 2020, મંગળવાર
ગુજરાતમાં કોરોનાના દર્દીઓને સારવાર આપતી હોસ્પિટલ્સમાં રોજના ઓક્સિજનના થઈ રહેલા વપરાશમાં દિન પ્રતિદિન ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓક્સિજનના વપરાશમાં આવી રહેલો ઘટાડો પણ કોરોનાના કેસો ઘટી રહ્યા હોવાનો એક વધુ નિર્દેશક હોવાનું આરોગ્ય સચિવ જયંતી રવિનું કહેવું છે.
29મી સપ્ટેમ્બરે રોજના 224 મેટ્રીક ટન (ક્યુબિક મીટર) ઓક્સિજનનો હોસ્પિટલમાં વપરાશ થતો હતો તે આજે બારમી ઓક્ટોબર સુધીમાં વધઘટ સાથે 168 મેટ્રીક ટન સુધી આવી ગયો છે.
આરોગ્ય સચિવનું કહેવું છે કે 21મી સપ્ટેમ્બરે 240 મેટ્રીક ટન ઓક્સિજનની ખપત થઈ હતી. દર્દીઓને સિંગલ માસ્કથી, નોન રિવર્સ બ્રિધિંગ માસ્ક, હાઈફ્લો નેવલ કેન્યુલા, બાય પેપ અને વેન્ટિલેટર પાંચ રીતે કોરોનાના દર્દીઓને ઓક્સિજન આપવામાં આવે છે.
દરદીને લાગેલા કોરોનાના ચેપની ગંભીરતા પ્રમાણે તેમને ઓક્સિજન આપવામાં આવે છે. સપ્ટેમ્બર મહિનાની 20મી તારીખથી ઓક્સિજનના દૈનિક વપરાશમાં વધઘટ સાથે સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં કોરોનાના દર્દીઓ ઘટી રહ્યા હોવાનું જણાવતા આરોગ્ય સચિવ કહે છે કે સામાન્ય રીતે દર્દીઓના શરીરમાં ઓક્સિજનનું લેવલ 99 કે 98ની આસપાસ હોવાનું જોવા મળે છે. પરંતુ ઓક્સિજનનું લેવલ 94 કે 90ની નીચે જાય તો દર્દીએ હોસ્પિટલનો સહારો લેવો જોઈએ. તેમ કરવાથી તેમને સમયસર સારવાર મળી શકે છે.
બીજું ઓક્સિજનનું લેવલ ઘટી જાય ત્યારે દર્દી પેેટ પર ઊંધા સૂઈ જાય તો ફેંફસાને ફૂલવાનો અવકાશ વધુ મળે છે અને શ્વાસમાં લેવામાં આવતી હવામાંથી ઓક્સિજન વધુ પ્રમાણમાં ફેંફસામાં એબસોર્બ થાય છે. તેને કારણે પણ વ્યક્તિના શરીરમાં ઓક્સિજનનું લેવલ વધે છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3don9rf
via IFTTT
Post a Comment