
-અલાહાબાદ હાઇકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી
-નિર્દોષ લોકોને હેરાન પરેશાન કરવામાં આવ્યા
અલાહાબાદ તા.27 ઓક્ટોબર 2020 મંગળવાર
ઉત્તર પ્રદેશમાં ગૌહત્યાને લગતા 1955ના કાયદાનો ઘોર દુરુપયોગ થયો અને સાવ નિર્દોષોને સતત હેરાન પરેશાન કરવામાં આવ્યા એવો અભિપ્રાય અલાહાબાદ હાઇકોર્ટે વ્યક્ત કર્યો હતો. ફોરેન્સિક પુરાવાના અભાવે કોઇ પણ મીટને ગાયનું માંસ ગણાવી દઇને નિર્દોષોને પજવવામાં આવી રહ્યા હતા.
જસ્ટિસ સિદ્ધાર્થે એક આરોપી રહીમુદ્દીનના કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે ગૌહત્યા નિવારક ધારો 1955ના દુરુપયોગ દ્વારા સાવ નિર્દોષ લોકોને જેલમાં ઠાંસી દેવામાં આવી રહ્યા હતા. રહીમુદ્દીન પર એવો આક્ષેપ હતો કે એ ગેરકાયદે ગાયનું માંસ લઇ જઇ રહ્યો હતો. પોલીસે એની ધરપકડ કરીને એને જેલમાં બેસાડી દીધો હતો.
રહીમુદ્દીનના સ્વજનોએ જામીનની અરજી કરી હતી. જસ્ટિસ સિદ્ધાર્થે કહ્યું કે જ્યારે કોઇ સ્થળે માંસ પકડાય તો એને ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ માટે મોકલવાને બદલે એને ગૌમાંસ ગણાવીને તદ્દન નિર્દોષ લોકોને જેલમાં મોકલી દેવામાં આવે છે. કાયદાનો ઘોર દુરુપયોગ કરાઇ રહ્યો હતો. મોટા ભાગના કેસમાં માંસને લેબોરેટરીમાં મોકલવાને બદલે ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ દ્વારા ગમે તેને જેલમાં બેસાડી દેવામાં આવે છે.
અત્યાર અગાઉ 19મી ઓક્ટોબરે હાઇકોર્ટે કહ્યું હતું કે વસૂકી ગયેલી અને વૃદ્ધ ગાયોની પણ સંભાળ રાકવી જોઇએ. ગૌવંશની હત્યા અંગે સરકાર કાયદો લાવી શકતી હોય તો વૃદ્ધ અને વસૂકી ગયેલી ગાયોની સંભાળ માટે પણ પગલાં લેવાં જોઇએ. આવી ગાયોને સડક પર રઝળતી છોડી દેવામાં આવે છે. જસ્ટિસ સિદ્ધાર્થે તેથી પણ આગળ વધીને કહ્યું હતું કે જે ગાયો દૂધ આપે છે એનું દૂધ કાઢી લીધા પછી એના માલિકો એને સડક પર ઉકરડામાં ખાવા માટે કે ગંદી ગટરનું પાણી પીવા માટે રઝળતી મૂકી દે છે. આવી ગાયો સડકો પર બેસી રહે છે એટલે ટ્રાફિક જામ થવા ઉપરાંત અકસ્માતોની સંખ્યા પણ વધી હતી. આવા બેજવાબદાર માલિકો સામે પણ પગલાં લેવાં જોઇએ.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JaSdzK
via IFTTT
Post a Comment