લાંબી માંદગી બાદ સંગીતકાર અને પૂર્વ સાંસદ મહેશ કનોડિયાનું અવસાન


ગાંધીનગર, તા. 25 ઓક્ટોબર, 2020, રવિવાર

ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર નરેશ કનોડિયાના મોટા ભાઈ અને પૂર્વ સાંસદ મહેશ કનોડિયાનું આજે લાંબી માંદગી બાદ 86 વર્ષની વયે ગાંધીનગરમાં અવસાન થયું છે. મહેશ કનોડિયાના અવસાનથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સહિત રાજકારણને પણ ખોટ પડી છે. ત્યારે ગુજરાતી લોકસંગીતને લોકપ્રિય બનાવવા માટે મહેશ કનોડિયાએ મહત્વનો ફાળો આપ્યો છે તેમ ટ્વીટ કરીને વડાપ્રધાને પણ શોકાંજલિ વ્યક્ત કરી હતી. 

 ગુજરાતી  ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય ગાયક અને નરેશ કનોડિયાના મોટા ભાઈ મહેશ કનોડિયાનું લાંબી માંદગી બાદ આજે ગાંધીનગરના સે-8 સ્થિત તેમના નિવાસ સ્થાને અવસાન થયું હતું. ગુજરાતમાંથી ચાર વખત સાંસદ રહી ચુકેલા 86 વર્ષીય મહેશ કનોડિયાનુ અવસાન થતાં ગુજરાતી કલાકારો સહિત રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓમાં પણ શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

એકબાજુ જયારે નરેશ કનોડિયા કોરોનાની સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ છે ત્યારે તેમની માંદગીનો આઘાત મહેશ કનોડિયા સહન કરી શકયા નહોતા અને  આખરે તેમણે આજે અંતિમ શ્વાસ લીધો હતો તેમ નરેશ કનોડિયાના પુત્ર અને ધારાસભ્ય હીતુ કનોડિયાએ જણાવ્યું હતું. 

જયારે 'ગુજરાતના મશહુર સંગીતકાર અને ગાયક મહેશ કનોડિયાના અવસાનથી દુખ અનુભવું છું. મહેશ કનોડિયાએ ગુજરાતી લોકસંગીતને લોકપ્રિય બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે તેઓની લાંબા સમયની સંસદ સભ્યની પ્રભાવી કામગીરીનો હું નજીકથી સાક્ષી રહયો છું' તેમ ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોકાંજલિ પાઠવી હતી.

આ ઉપરાંત હીતુ કનોડિયાને ફોન કરીને વડાપ્રધાને સાંત્વના આપી હતી. ઉલ્લેખનીય છે કે મહેશ-નરેશની જોડીએ ગુજરાતી ફિલ્મ સંગીતને દેશ દુનિયામાં પ્રચલિત કર્યું હતું. મહેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મોમાં સ્ત્રી અને પુરૂષ બન્નેના અવાજમાં ગીતો ગાયા હતા. તેમના સ્ત્રી અવાજના કારણે તેઓ ગુજરાતની લતા મંગેશકર તરીકે પણ જાણીતા થયા હતા.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31GRf4q
via IFTTT

Post a Comment

Previous Post Next Post