
નવી દિલ્હી, તા. 21 ઓક્ટોબર 2020, બુધવાર
એપલ વોચમાં આવતું ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ - ઇસીજી ફિચર વાપરવાને કારણે ૬૧ વર્ષના ઇન્દોરવાસીનો જીવ બચાવવામાં સફળતા મળી છે. ભારતનો આવો આ પ્રથમ કેસ છે. એપલના સીઇઓ ટીમ કૂકે ઇન્દોરવાસીને ઓપરેશન બાદ ઝડપથી સાજા થવાની શુભેચ્છા આપી હતી.
નિવૃત્ત ફાર્મા પ્રોફેસનલ આર. રાજહંસ એપલ વોચ સિરિઝ ફાઇવનો ઉપયોગ કરે છે. આ વર્ષે માર્ચ મહિનામાં તેમને શરીરે અસુખ લાગતાં તેમણે એપલ વોચ પર તેમના ઇસીજીને ચેક કર્યું હતું. તેમાં તેમના હૃદયના ધબકારાં અનિયમિત હોવાનું જણાવાયું હતું.
રાજહંસને એપલ વોચ તેમના યુએસની હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણતાં સિલિકોન વેલીની ટોચની કંપનીમાં કામ કરતાં પુત્ર સિદ્ધાર્થે ભેટ આપી હતી. સિદ્ધાર્થે જણાવ્યું હતુ ં કે એપલ વોચમાં ઇસીજી ફંક્શન છે એટલે કોઇ તેને ગમે ત્યારે ચેક કરી શકે છે. મારા પિતાને મધરાતે હૃદયના ધબકારાં અનિયમિત હોવાના સિગ્નલ મળ્યા હતા. આ એક મહત્વની નિશાની છે જે દર્શાવે છે કે હૃદયમાં કંઇ ગંભીર ગરબડ છે. જ્યારે આ જ પરિણામ વારંવાર આવતાં રાજહંસે તેમના ડોક્ટરનો સંપર્ક સાધી તેમને આ બાબતની જાણ કરી હતી.
રાજહંસને કોઇ હાઇપરટેન્શન ન હોતું કે તેમને કોઇ હૃદયની બિમારી નહોતી. પણ વધુ ટેસ્ટ કરાવતાં જણાયું હતું કે તેમને લો ઇજેક્શન ફ્રેક્શનની તકલીફ હતી જેને દૂર કરવા માટે તત્કાળ ઓપરેશન કરાવવાની જરૂર હતી. પણ કોરોના મહામારીને કારણે ઓપરેશન કરવામાં વિલંબ થાય તેમ હતું. પણ રાજહંસે તેમના હૃદયની સ્થિતિ પર એપલ વોચના ઇસીજી ફિચરની મદદથી નજર રાખવાનું ચાલુ રાખ્યું હતું.
સિદ્ધાર્થે જણાવ્યું હતું કે મારા પિતા પર પછી માઇટ્રલ વાલ્વ રિપ્લેસમેન્ટ સર્જરી કરવામાં આવી છે. પણ તેમના હૃદયમાં ઇકો કાર્ડિયોગ્રાફમાં વાલ્વ પેઇલ્યોરનું નિદાન થયું તે પહેલા જ એપલ વોચે તેમને હૃદયના ધબકારાં અનિયમિત હોવાનું જાણવામાં સહાય કરી હતી.
હૃદયના ધબકારાં અનિયમિત બને તેને એફિબ કહે છે. એફિબને પારખવામાં એપલ વોચની ઇસીજી એપ અને તેના ઇરરેગ્યુલર હાર્ટ રિધમ નોટિફિકેશન ફિચર દ્વારા સહાય મળે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jnQjYS
via IFTTT
Post a Comment