
(પીટીઆઇ) નવીદિલ્હી, તા. 30 ઓક્ટોબર, 2020, શુક્રવાર
દેશમાં 7000 ટન ડુંગળીની આયાત થઇ ચૂકી છે, જ્યારે વધુ 25,000 ટનનો જથ્થો દિવાળી પહેલાં આવી પહોંચશે. સહકારી સંસ્થા 'નાફેડ' દ્વારા પણ ડુંગળીની આયાત કરાશે.
કેન્દ્રના ગ્રાહક બાબતોના પ્રધાન પીયુષ ગોયલે જણાવ્યું કે ખાનગી વેપારીઓએ 7000 ટન ડુંગળી આયાત કરી લીધી છે, જ્યારે વધુ 25,000 ટન ડુંગળીનો જથ્થો દિવાળી પહેલા આવવાની અપેક્ષા છે. દેશમાં ડુંગળીનો પુરવઠો વધે અને એના ભાવ વધે નહિ, એ આયાતનો હેતુ છે.
સ્થાનિક પુરવઠાનો જથ્થો સુધારવા તેમજ મહત્વપૂર્ણ જીવનજરૂરી ચીજ બટાટાના ભાવ પર અંકુશ રહે એ માટે 30,000 ટન બટાટા ભુતાનથી આયાત થઇ રહ્યા છે, એમ ગોયલે કહ્યું.
દેશમાં છેલ્લા ત્રણ દિવસથી કિલો ડુંગળીના ભાવ 65 રૂપિયા પર સ્થિર રહ્યા છે. સરકારે એનો ભાવવધારો રોકવા માટે સક્રિય પગલાં લીધા છે. નિકાસને સમયસર અટકાવી દેવાઇ છે, જ્યારે આયાત માટે કાર્યવાહી શરૂ કરાઇ છે. એમ ગોયલે ડિજિટલ પત્રકાર પરિષદમાં જણાવ્યું.
સરકારે ડિસેમ્બર સુધી ડુંગળીની આયાત માટે કેટલાક ધારાધોરણ હળવા કર્યા છે. વળી, આવતા મહિનાથી નવા ખરીફ પાકની ડુંગળી પણ બજારમાં આવી પહોંચશે જેથી પુરવઠાની સ્થિતિ સુધરશે અને ભાવ પરનું દબાણ ઘટશે. એમ ગોયેલે ઉમેર્યું. દેશમાં ઇજિપ્ત અફઘાનિસ્તાન, અને તુર્કીથી ડુંગળી આવી રહી છે.
ડુંગળીના સંઘરાખોરી અને કાળા બજાર રોકવા માટે સ્ટોક મર્યાદા લદાઇ છે. સરકાર વતી ડુંગળીનો બફર સ્ટોક રાખતા નાફેડ દ્વારા 36,488 ટન ડુંગળી ખુલ્લા બજારમાં ઠલવાઇ છે. એમ ગોયલે ઉમેર્યું. દેશમાં 10 લાખ ટન બટાટાની આયાત કરાશે અને એના ભાવ પર અંકુશ આણવામાં આવશે. એમ એમણે કહ્યું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35VDO2e
via IFTTT
Post a Comment