અમદાવાદમાં વધુ 168 લોકો કોરોનામાં પટકાયા, ત્રણનાં મૃત્યુ


અમદાવાદ, તા. 17 ઓક્ટોબર, 2020, શનિવાર

અમદાવાદમાં કોરોનાના ઉપદ્રવ અને વ્યાપમાં સતત વધઘટ થતી રહી છે. દરમ્યાનમાં આજે એક જ દિવસમાં સરકારી યાદી મુજબ વધુ 168 નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે ત્રણ દર્દીઓના સારવાર દરમ્યાન કરૂણ મૃત્યુ થયા છે.

બીજી તરફ કોરોનાને હરાવીને સાજા થઇ ગયેલાં 171 લોકોને જુદી જુદી હોસ્પિટલો તેમજ હોઇ આઈસોલેશનમાંથી રજા આપવામાં આવી છે. રેપિડ-એન્ટીજન ટેસ્ટ ટેસ્ટ દરમ્યાન પણ મોટાપ્રમાણમાં દર્દીઓ નોંધાઇ રહ્યાં છે.

મ્યુનિ. કોર્પોરેશનની હદમાં અત્યાર સુધીમાં નોંધાયેલાં કુલ દર્દીઓની સંખ્યા 42389ના આંકડાને આંબી ગઇ છે. તેમાંથી 1822 દર્દીઓએ તેમની મહામુલી જીંદગી ગુમાવી દીધી છે. જ્યારે 32470 લોકો કોરોનાને હરાવીને પોતપોતાની કામગીરીમાં લાગી ગયા છે. બીજી તરફ એકટિવ કેસો ઘટીને 2983 થઇ ગયા છે. જેમાં નવા પશ્ચિમના બે ઝોનના મળીને 988 અને પશ્ચિમ ઝોનના 527 એકટિવ કેસો છે.

જ્યારે પૂર્વપટ્ટાના 4 ઝોન દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન, પૂર્વ ઝોન, મધ્ય ઝોનના 1468 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. બીજી તરફ નવરાત્રિનું આરાધનાપર્વ શરૂ થઇ ગયું છે. કેટલાંક મંદિરોએ દર્શનાર્થીઓ માસ્ક પહેરીને જ આવે અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવે તે હેતુથી રેલીંગો પણ બાંધી દીધી છે.

અમદાવાદમાં છેલ્લા થોડાં દિવસોથી એકટિવ કેસો અને મૃત્યુનો દર ઘટયો છે. નવા કેસ નોંધાવવાનો આંકડો ધીમે ધીમે નીચો આવી રહ્યો છે, ત્યારે તકેદારી પણ એટલી જ જરૂરી બની જાય છે. કેમ કે દુનિયાના કેટલાંક ભાગોમાં બીજો અને ત્રીજો તબક્કો ચાલુ થઇ ગયો છે, એવી જ રીતે ધ્યાન ના રખાય તો ફરી તહેવારોના ગાળામાં જ સંક્રમણ વધી શકે તેમ હોવાનું ડોકટરો જણાવી રહ્યાં છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lW9lXZ
via IFTTT

Post a Comment

Previous Post Next Post