અમદાવાદમાં વધુ 168 લોકો કોરોનાની ઝપેટમાં, ત્રણનાં મૃત્યુ


અમદાવાદ, તા. 11 ઓક્ટોબર, 2020, રવિવાર

અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધઘટ થતી રહે છે. હાલ નવા કેસોમાં અને એકટિવ કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક મહિના અગાઉ ઘટાડો નોંધાયા બાદ ફરી એ હદે વધારો નોંધાયો હતો કે ખાનગી હોસ્પિટલોના બેડ લગભગ ફુલ થવા આવ્યા હતા, સારી ગણાતી હોસ્પિટલોમાં વેઇટીંગ શરૂ થઇ ગયું હતું.

હવે ફરી ગ્રાફ ના ઊંચકાય તો સારૂ, તેવું લોકો ઈચ્છી રહ્યાં છે. દરમ્યાનમાં આજે એક જ દિવસમાં વધુ 168 નવા કેસો કોરોનાના નોંધાયા છે. તેમજ ત્રણ દર્દીઓના સારવાર દરમ્યાન કરૂણ મૃત્યુ થયા છે. જ્યારે કોરોનાને હરાવીને સાજા થયેલાં 184 લોકો ડિસ્ચાર્જ થયા છે.

ઉપરાંત મ્યુનિ. કોર્પોરેશનની હદમાં અત્યાર સુધી નોંધાયેલાં કુલ દર્દીઓનો આંકડો 41384ને આંબી ગયો છે. તેમજ સારવાર દરમ્યાન 1803 દર્દીઓએ તેમના જીવ ગુમાવ્યા છે. બીજી તરફ 31441 લોકોએ સાજા થઇને પૂર્વવત જીંદગી શરૂ કરી દીધી છે.

દરમ્યાનમાં સારવાર હેઠળના એકટિવ કેસો ઘટીને 3039 થઇ ગયા છે. જેમાં નવા પશ્ચિમ ઝોનના બોડકદેવ, થલતેજ, સેટેલાઇટ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, વેજલપુર, મકતમપુરા, સરખેજના વિસ્તારના એકટિવ કેસો 995 થયા છે.

ઘણાં દિવસો બાદ આંકડો 1000ની અંદર ગયો છે. જ્યારે પશ્ચિમ ઝોનમાં 559 અને પૂર્વના દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન, પૂર્વ ઝોન અને મધ્ય ઝોનના સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા 1485ની થઇ ગઇ છે.જ્યારે ખાનગી હોસ્પિટલોના 1911 પ્રાઇવેટ બેટમાંથી 1112 ભરેલા છે. જેમાંથી 188 આઈસીયુમાં અને 110 વેન્ટીલેટર ઉપર છે. 

નવા બે સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં 

અમદાવાદ,રવિવાર

શહેરમાં રવિવારે નવા બે સ્થળ કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવતા અમદાવાદમાં માઈક્રોકન્ટેઈન્મેન્ટ વિસ્તારની સંખ્યા 154 પર પહોંચી છે.

અગાઉ મ્યુનિ.દ્વારા શહેરમાં 162 સ્થળ કોરોના કેસની સંખ્યાને ધ્યાનમાં રાખી નિયંત્રિત વિસ્તારમાં મુકાયા હતા.જે પૈકી દસ સ્થળમાં કોરોના સંક્રમણની સ્થિતિ સુધરતા નિયંત્રણ દુર કરાયા હતા.નવા ઉમેરવામાં આવેલા બે સ્થળમાં જુનાવાડજ વોર્ડમાં આવેલી શંખેશ્વર સોસાયટીના 24 મકાન અને ચાંદલોડિયા વોર્ડમાં સિલ્વરસ્ટાર ફલેટના એ બ્લોકના ત્રીજાથી છઠ્ઠા માળને કોરોના કેસની સંખ્યાને ધ્યાનમાં લઈ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયા છે.

ત્રણ ટ્રેનમાં 12 મુસાફર કોરોના પોઝિટિવ મળ્યા

અમદાવાદ,રવિવાર

શહેરના કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે રવિવારે ત્રણ ટ્રેનના 1421 મુસાફરોના રેપીડ  ટેસ્ટ કરાતા 12 મુસાફરો કોરોના પોઝિટિવ મળતા પાંચને સાબરમતી કોવીડ કેર સેન્ટર ખાતે સારવાર માટે મોકલી આપી સાત લોકોને હોમ કવોરન્ટાઈન કરાયા હતા.

મ્યુનિ.મધ્યઝોન હેલ્થની ટીમ દ્વારા રવિવારે રાજધાની એકસપ્રેસ દ્વારા આવેલાં 569 મુસાફરોના ટેસ્ટ કરાતા પાંચ મુસાફરો કોરોના પોઝિટિવ મળ્યા હતા.મુઝફરપુર એકસપ્રેસના 306 મુસાફરોના ટેસ્ટ કરાતા એકપણ મુસાફર કોરોના પોઝિટિવ મળ્યો ન હતો.હાવરા એકસપ્રેસના 546 મુસાફરોના ટેસ્ટ કરાતા સાત મુસાફરો કોરોના પોઝિટિવ મળ્યા હતા.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Im1Wmn
via IFTTT

Post a Comment

Previous Post Next Post