
અમદાવાદ, તા. 1 સપ્ટેમ્બર, 2020, મંગળવાર
ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં 39.55 ઈંચ સાથે સરેરાશ 120.91% વરસાદ નોંધાઇ ચૂક્યો છે અને અનેક જિલ્લાઓ અતિવૃષ્ટિનો સામનો કરી રહ્યા છે. રાહતની વાત એ છે કે ગુજરાતમાં હાલ કોઇ નોંધપાત્ર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય નહીં હોવાથી આગામી દિવસોમાં વરસાદ ઓછો થતો જાય તેની પૂરી સંભાવના છે.
ગુજરાતમાં 1990થી 2019 એમ 30 વર્ષમાં વરસાદની સરેરાશ 32.71 ઈંચ છે અને તેની સામે 39.55 ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. મંગળવારે ગાંધીનગર ખાતે વેધર વોચ ગૂ્રપનો વેબિનાર યોજાયો હતો. જેમાં હવામાન વિભાગે એવી શક્યતા દર્શાવી છે કે હાલમાં કોઇ નોંધપાત્ર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય નહીં હોવાથી ગુજરાતમાં વરસાદ ઓછો થઇ શકે છે.
આગામી 4 સપ્ટેમ્બરના સાયક્લોનિક સર્ક્યુલેશન સેન્ટ્રલ રાજસ્થાન તરફ હોવાને કારણે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં સામાન્ય વરસાદ પડી શકે છે. આ સિવાય ગુજરાતના અન્ય જિલ્લાઓમાં વરસાદની સંભાવના નહિવત્ છે.
આ બેઠકમાં કૃષિ વિભાગે જણાવ્યું કે, 'ગુજરાતમાં આ વર્ષે 31 ઓગસ્ટ સુધીમાં અંદાજે 84.48 લાખ હેક્ટર ખરીફ પાકનું વાવેતર થયું છે. જે ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 82.80 લાખ હેક્ટર હતું.
આ વર્ષે છેલ્લા 3 વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 99.51% વાવેતર થયું છે. વરસાદને કારણે 15 જેટલા જિલ્લાઓમાં પાક નુકસાની અંગેના સર્વેની કામગીરી જારી છે. ' સરદાર સરોવર જળાશયમાં 81.30% જળસંગ્રહ થયો હોવાની માહિતી સિંચાઇ વિભાગે આપી છે. હજુ 156 જળાશય એલર્ટ પર છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3juXzma
via IFTTT
إرسال تعليق