સચિવાલયમાં પોલીસ ઈન્સ્પેકટરે લમણે ગોળી મારીને આપઘાત કર્યો

 

ગાંધીનગર, તા. 20 સપ્ટેમ્બર, 2020, રવિવાર

ગાંધીનગર પોલીસની સલામતી શાખાના પોલીસ ઈન્સ્પેકટરે ગઈકાલે મોડી સાંજે સચિવાલય સંકુલમાં જ બ્લોક નં.રની સામે પોતાની કારમાં સર્વિસ રિવોલ્વરથી લમણે ગોળી મારી લઈ આપઘાત કરી લીધો હતો. જે ઘટનાના પગલે પરિવાર સહિત સમગ્ર જિલ્લા પોલીસ બેડામાં પણ શોકની લાગણી પ્રવર્તી છે.

આ પોલીસ અધિકારીએ કયા કારણોસર અંતિમ પગલું ભર્યું તે જાણવા માટે સે-7 પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. જો કે તેમની કારમાંથી પોલીસને કોઈ ચીઠ્ઠી મળી આવી નથી. હાલ તો આપઘાતની તમામ થીયરી ઉપર પોલીસ તપાસ કરી રહી હોવાનું જાણવા મળી રહયું છે. 

આ અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગરના સરગાસણ ખાતે આવેલા સંપદ પ્રાઈમ ફલેટ ખાતે રહેતાં અને મુળ બાયડ તાલુકાના વતની એવા પોલીસ ઈન્સ્પેકટર પ્રિતેશ જે.પટેલ ઉવ.41ની તાજેતરમાં જ માણસાથી ગાંધીનગર સચિવાલય સલામતી શાખામાં બદલી કરવામાં આવી હતી. સચિવાલયમાં નિત્યક્રમ મુજબ સાંજે ફરજ પુરી કરીને તેઓ ઘરે જતાં રહેતા હતા.

પરંતુ ગઈકાલે શનિવારે તેઓ આઠ વાગ્યા સુધી પરત નહીં ફરતાં પરિવારજનોએ તેમના મોબાઈલ ફોન ઉપર સંપર્ક કર્યો હતો પરંતુ તેઓ ફોન ઉપાડતા નહોતા. જેના કારણે પરિવારજનોની ચિંતામાં વધારો થયો હતો. જેથી પરિવારજનોએ તેમની શોધખોળ કરી હતી આ સંદર્ભે સલામતી શાખાના અન્ય પોલીસ જવાનોને પણ જાણ કરી હતી.

જેથી પોલીસ જવાનોએ સચિવાલય સંકુલમાં તપાસ કરતાં પ્રિતેશ પટેલની કાર નં.જીજે-18-બીકે-7054 બ્લોક નં.રની સામે આવેલા પાર્કીંગમાં ચાલુ હાલતમાં મળી હતી. જો કે નજીક જઈને જવાનોએ તપાસ કરતાં સીટમાં માથે લોહીથી લથપથ હાલતમાં પ્રિતેશ પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ સંદર્ભે પરિવારજનો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને ઘટનાની જાણ કરવામાં આવતાં તેઓ સચિવાલય પહોંચ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે પ્રિતેશ પટેલે તેમની સર્વિસ રીવોલ્વરથી લમણે ગોળી મારીને આ પગલું ભર્યું છે. કારમાંથી ચીઠ્ઠી કે અન્ય કોઈ વસ્તુ મળી આવી નથી.

હાલ આ અંગે સે-7 પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તેમના મૃતદેહને પેનલ તબીબો મારફતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ ઘટનાના પગલે પોલીસ ઈન્સ્પેકટરના પરિવારના માથે આભ ફાટી પડયા જેવી સ્થિતિ સર્જાઈ હતી. જિલ્લા પોલીસના એક અધિકારીએ આ પ્રકારે અંતિમ પગલું ભરતાં પોલીસ બેડામાં પણ ઘેરા શોકની લાગણી પ્રવર્તી હતી. તેમના મૃતદેહને અંતિમ વિધિ માટે વતનમાં લઈ જવાયો હતો. 

શિક્ષકની નોકરી છોડીને પોલીસ ખાતામાં જોડાયા 

સચિવાલય સલામતી શાખાના પોલીસ ઈન્સ્પેકટર પ્રિતેશ જે.પટેલના પત્નિ પણ શિક્ષિકા છે અને તેઓ ખુદ પણ સરકારી શિક્ષક તરીકે નોકરી કરતાં હતા. વર્ષ ર008માં પીએસઆઈની પરીક્ષા પાસ કરીને પોલીસ ખાતામાં જોડાયા હતા અને પ્રમોશન મેળવી પોલીસ ઈન્સ્પેકટર બન્યા હતા. પરિવારમાં બે સંતાનોના અભ્યાસ માટે તેઓ ગાંધીનગર રહેવા માટે આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32K4aDQ
via IFTTT

Post a Comment

أحدث أقدم