
અમદાવાદ, તા. 25 સપ્ટેમ્બર, 2020, શુક્રવાર
સ્કૂલોની ફી મુદ્દે સંચાલકો સાથે સરકારની બેઠક બાદ આજે વાલી મંડળો સાથે બેઠક યોજાઈ હતી.સરકારે ફી ઘટાડાની ફોર્મ્યુલા મુદ્દે વાલીઓને સમજાવ્યા હતા પરંતુ આજની બેઠકમાં કોઈ નિર્ણય થયો ન હતો અને હવે ફરીથી વાલી મંડળો સાથે 29મીએ સાંજે મીટિંગ મળશે.
સરકારે સંચાલક મંડળો સાથે અગાઉ બે વાર મીટિંગ કરી 25 ટકા ફી ઘટાડાની દરખાસ્ત કરી હતી પરંતુ સંચાલકો ન માનતા સરકારે હાઈકોર્ટમાં પીટિશન કરી હતી.પરંતુ હાઈકોર્ટે સરકારને જ પોતાની સત્તાનો ઉપયોગ કરી નિર્ણય લેવાનો આદેશ કરતા સરકારે ફરીથી સંચાલક મંડળોની મીટિંગ બોલાવી હતી.
સરકાર પોતાની સત્તાનો ઉપયોગ કરી કડક પગલા લે તેના ડરથી અને બીજી બાજુ સરકારે સમજાવતા અંતે ખાનગી સ્કૂલોના સંચાલકો હાલ 25 ટકા ફી ઘટાડા માન્યા છે. ગુજરાતના સ્વનિર્ભર સંચાલક મંડળ સાથે ગઈકાલે મીટિંગમા સરકારે સંચાલકોને સમજાવ્યા હતા અને સરકારની હવે સમાધાનકારી ફોર્મ્યુલા છે.જે હેઠળ સરકારે આજે વાલી મંડળોની મીટિંગ બોલાવી વાલી મંડળોને પણ સમજાવ્યા હતા.
જો કે વાલી મંડળો હજુ 25 ટકા ફી ઘટાડા માટે સહમત થયા નથી અને વાલી મંડળોની માંગ 25 ટકાથી વધુ અને 50 ટકા સુધી ઘટાડાની પણ છે. આ અંગે શિક્ષણમંત્રીનું કહેવુ છે કે કોર્ટમાં લીટિગેશનથી સમય બહુ બગડી રહ્યો છે ત્યારે સરકાર સંચાલકો અને વાલીઓને સમજાવી ફી મુદ્દે યોગ્ય નિર્ણય લેવા પ્રયત્ન કરી રહી છે.
સંચાલકો 25 ટકા ઘટાડા માટે તૈયાર છે અને અમે આજે વાલી મંડળોને પણ સમજાવ્યા છે.જો કે તેઓએ આ માટે અન્ય મંડળો સાથે મળી ચર્ચા કરવા સમય માંગતા હવે મંગળવારે સાંજે ફરીથી મીટિંગ મળશે. પરંતુ અમારા પુરતા પ્રયાસો ચાલુ છે અને આશા છે કે ફી મુદ્દે જલ્દી યોગ્ય નિર્ણય આવશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3j7K2RG
via IFTTT
إرسال تعليق