‘સર તમે રાષ્ટ્રવિરોધી પરિબળને સાથ આપી રહ્યા છો’


-26 વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જુલિયો રિબેરોને પત્ર લખ્યો

-જુલિયો રિબેરો ઉમર ખાલિદને સમર્થન આપી રહ્યા હતા

નવી દિલ્હી તા.19 સપ્ટેંબર 2020 શનિવાર

દેશના 26 ભૂતપૂર્વ વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ પંજાબમાં આતંકવાદને નાથવામાં મહત્ત્વની કામગીરી બજાવી ચૂકેલા ભૂતપૂર્વ વરિષ્ઠ પોલીસ અધિકારી જુલિયો રિબેરોને પત્ર લખીને એમના એક કાર્ય બદલ ટીકા કરી હતી. તેમણે લખ્યું હતું કે સર, તમે રાષ્ટ્રવિરોધી પરિબળને સાથ આપી રહ્યા છો.

નાગરિકતા અંગેના નવા કાયદા અને નાગરિકતા રજિસ્ટર વિરોધી આંદોલન દરમિયાન પાટનગર નવી દિલ્હીમાંઆ વર્ષના ફેબ્રુઆરીમાં થયેલાં હિંસક તોફાનોના સંદર્ભમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ શાખાએ જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદની ધરપકડ કરી હતી. જુલિયો રિબેરોએ ઉમર ખાલિદને સમર્થન આપ્યું હતું. એ સંદર્ભમાં 26 વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ આ પત્ર લખ્યો હતો.

જુલિયો રિબેરોએ દિલ્હીના પોલીસ કમિશનરને પત્ર લખીને દિલ્હીનાં તોફાનોની તપાસ સંદર્ભે કેટલાક વાંધા વ્યક્ત કર્યા હતા. એના જવાબ રૂપે 26 અધિકારીઓએ આ પત્ર લખ્યો હતો. મુંબઇના પોલીસ કમિશનર અને ગુજરાત તથા પંજાબના ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ રહી ચૂકેલા રિબેરોને આ પત્રમાં તેમણે કહ્યું હતું કે સર તમે રાષ્ટ્રવિરોધી પરિબળને સમર્થન આપી રહ્યા છો.

આ પત્રમાં સહી કરનારા પોલીસ અધિકારીઓ આ રહ્યા- દિલ્હીના ભૂતપૂર્વ પોલીસ કમિશન આ એસ ગુપ્તા, પંજાબના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ પી સી ડોગરા, કેરળના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ પી જી રમણ, ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ આર એન સિંઘ અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ પ્રવીણ દીક્ષિત જેવા વરિષ્ઠ અધિકારીઓએ આ પત્ર તૈયાર કરીને દિલ્હી પોલીસની સ્પેશિયલ શાખાએ ઉમર ખાલિદ સામે લીધેલાં પગલાંને સમર્થન આપ્યું હતું.

દિલ્હી પોલીસની સ્પેશિયલ શાખાએ અનલૉફૂલ એક્ટિવિટિઝ પ્રિવેન્શન એક્ટ (UAPA) હેઠળ ઉમર ખાલિદની ગયા રવિવારે ધરપકડ કરી હતી અને કલાકો સુધી એની પૂછપરછ કરી હતી. જુલિયો રિબેરોએ દિલ્હીના હાલના પોલીસ કમિશનરને પત્ર લખીને એવી રાવ કરી હતી કે શાંતિપૂર્ણ દેખાવો કરનારા લોકો સામે તમે પગલાં લઇ રહ્યા છો જ્યારે ભડકામણાં ભાષણો કરીને હિંસાને બહેકાવનારા ભાજપી નેતાઓ સામે તમે કશું કરતા નથી.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RIfuKp
via IFTTT

Post a Comment

Previous Post Next Post