કૃષિબિલના વિરોધમાં આજે કોંગ્રેસની ગાંધીનગર કૂચ


અમદાવાદ, તા. 27 સપ્ટેમ્બર, 2020, રવિવાર

લોકસભામાં પસાર થયેલાં કૃષિકાયદાના વિરોધમાં કોંગ્રેસ દેશવ્યાપી દેખાવો  કરવા નક્કી કર્યુ છે જેના ભાગરૂપે ગુજરાત કોંગ્રેસે પણ સોમવારે પાટનગર ગાંધીનગર તરફ કૂચ કરી વિરોધ પ્રદર્શન કરવા આયોજન કર્યુ છે આ ઉપરાંત ગુજરાતમાં પ્રવર્તમાન સ્થિતીમાં વિવિધ પ્રશ્નોને લઇને કોંગ્રેસના નેતાઓ રાજ્યપાલને પણ આજે આવેદનપત્ર સુપરત કરશે. 

કેન્દ્ર સરકાર કૃષિકાયદાને લોકસભામાં પસાર કરતાં દેશમાં વિરોધની અગનજવાળા ભભૂકી છે. પંજાબમાં તો ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. અકાલીદળે એનડીએનો સાથ છોડયો છે ત્યારે હવે કોંગ્રેસે પણ ખેડૂતોના સમર્થનમાં લડત લડવા નક્કી કર્યુ છે. 

સોમવારે કૃષિબિલના વિરોધમાં ગુજરાત કોંગ્રેસે પાટનગરમાં હલ્લાબોલ કરવા નક્કી કર્યુ છે. સોમવારે સવારે 10 વાગે  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓની ઉપસ્થિતીમા ગુજરાત વિધાનસભાની સામે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે દેખાવો કરવામાં આવશે. 

કોરોનાની મહામારીને પગલે માત્ર ગાંધીનગર જિલ્લાના કોંગ્રેસના આગેવાનો,જિલ્લા-તાલુકા,નગરપાલિકાના સદસ્યો ઉપરાંત કાર્યકરોને જ આ વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જણાવાયુ છે. આ ઉપરાંત કાર્યકરોને માસ્ક ઉપરાંત સોશિયલ ડિસટન્સ રાખવા પણ સૂચના આપવામાં આવી છે. કોંગ્રેસે કૃષિબિલના વિરોધમાં સોશિયલ મિડિયાના માધ્યમથી પણ ઓનલાઇન કેમ્પેઇન ચલાવશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3i7PoLu
via IFTTT

Post a Comment

Previous Post Next Post