
અમદાવાદ, તા. 10 સપ્ટેમ્બર, 2020, ગુરૂવાર
શહેરના આશ્રમ રોડ પર આવેલા મિઠાખળી અંડરપાસની 90 દિવસ પહેલાં ધરાશાયી થયેલી દીવાલ નવી બનાવવામાં આવી રહી છે.અંડરપાસની એક તરફ અંદાજે 70 મીટર લંબાઈની આર.સી.સી.સ્ટ્રકચર આધારીત દીવાલ તૈયાર કરવા પાછળ રૂપિયા 60 લાખથી વધુનો ખર્ચ મ્યુનિ.તંત્ર કરશે.
હાલ અંડરપાસમાં ટ્રાફિક માટે બંધ કરવામાં આવેલો એક તરફનો રસ્તો ફરી શરૂ કરવામાં વધુ પંદર દિવસનો સમય લાગી શકે એમ હોવાનું જાણવા મળ્યું છે. 14 જુન-2020ના દિવસે અમદાવાદમાં પડેલા ભારે વરસાદને કારણે મિઠાખળી અંડરપાસની એક તરફની દીવાલ ધડાકાભેર ધરાશાયી થઈ હતી.બાદમાં જે ભાગમાં દીવાલ ધરાશાયી બની હતી.
એ તરફના રસ્તાના ટ્રાફિકને અવરજવર માટે પ્રતિબંધિત કરી દીવાલના બાકીના ભાગને ઉતારી લેવામાં આવ્યો હતો. મિઠાખળી અંડરપાસની ધરાશાયી થયેલી દીવાલનું સમારકામ શરૂ કરાયુ પરંતુ શ્રમિકોના અભાવે કામગીરી થઈ શકી ન હતી.એક તરફની ધરાશાયી થયેલી દીવાલની લંબાઈ અંદાજે 65 થી 70 મીટર અંદાજવામાં આવી છે.
મ્યુનિ.દ્વારા આર.સી.સી. સ્ટ્રકચર આધારીત દીવાલ બનાવવા પાછળ કોન્ટ્રાકટથી આપવામાં આવેલી આ કામગીરી પાછળ રૂપિયા 60 લાખથી વધુની રકમનો ખર્ચ થશે એમ મ્યુનિ.સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
મહત્વની બાબત એ છે કે,90 દિવસ પહેલા ધરાશાયી થયેલી આ દીવાલના સમારકામ પાછળ ત્રણ મહીના જેટલો સમય પસાર થઈ ગયો છે.અંડરપાસનો એક તરફનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરાયો છે.જે ફરી શરૂ થતા હજુ પંદર દિવસનો સમય થાય એમ હોવાનું જાણવા મળ્યું છે.નવી દિવાલ બન્યા બાદ સામેના ભાગમાં પણ એક ભાગમાં નવી દીવાલ બનાવવામાં આવશે.
અંડરપાસમાં પાણી નિકાલની વ્યવસ્થાનો અભાવ
મિઠાખળી અંડરપાસ બનાવવામાં આવ્યાને બે દાયકા જેટલો સમય થયો છે.આમ છતાં દર વર્ષે સામાન્ય એવા વરસાદમાં પણ અંડરપાસમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ હોવાના કારણે અંડરપાસ બંધ કરી દેવો પડે છે.આ વર્ષે દીવાલ ધરાશાયી થવાને કારણે 90 દિવસથી અંડરપાસમાં માત્ર એક તરફનો જ ટ્રાફિક અવરજવર કરી શકે છે.અગાઉ રેલવે દ્વારા કામગીરી થતી હોવાના કારણે ત્રણ મહીનાથી પણ વધુના સમય માટે મિઠાખળી અંડરપાસ ટ્રાફિકની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો હતો.
એક વર્ષ અગાઉ તંત્ર દ્વારા
મીઠાખળી-માદલપુર અંડરપાસ પહોળા કરી બંને તરફ દિવાલ બનાવાઈ હતી
વિકાસના ઓઠા હેઠળ લાખો રૂપિયાના આંધણ બાદ પણ સ્થિતિ ઠેરની ઠેર
અમદાવાદ, ગુરૂવાર
શહેરના પશ્ચિમમાં આવેલા મિઠાખળી તેમજ માદલપુર અંડરપાસ પહોળા કરવાની કામગીરીના ભાગરૂપે બંને તરફ દીવાલ બનાવવામાં આવી હતી.હવે ફરી એક વખત તંત્ર દ્વારા દીવાલ બનાવવા પાછળ લાખ્ખો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યું છે.
મળતી માહીતી મુજબ,એક વર્ષ અગાઉ તંત્ર દ્વારા મિઠાખળી તેમજ માદલપુર અંડરપાસને પહોળા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.એ સમયે અંડરપાસને પહોળા કરવાની સાથે બંને તરફ દિવાલ બનાવવામાં આવી હતી.હવે માત્ર એક વર્ષમાં ફરી એક વખત તંત્ર દ્વારા દીવાલ બનાવવા પાછળ લાખ્ખો રૂપિયાનો ખર્ચ કરાઈ રહ્યો છે.વખતોવખત કરાતા લાખ્ખો રૂપિયાના ખર્ચ પછી પણ અંડરપાસની સ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hmAm46
via IFTTT
Post a Comment