
અમદાવાદ, તા. 7 સપ્ટેમ્બર, 2020, સોમવાર
અમદાવાદ રેલવે સ્ટેશન પર અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સોમવારે મુસાફરોના કોરોના ટેસ્ટિંગની કામગીરી મોટાપાયે હાથ ધરાઇ હતી. જેમાં દિવસ દરમિયાન આવેલી 3 ટ્રેનોના 1,872 મુસાફરોના 'રેપિડ એન્ટિજન ટેસ્ટિંગ' ની કામગીરી સ્ટેશન પરિસરમાં જ મોટો સામિયાણો બાંધીને કરવામાં આવી હતી. જેમાંથી 33 મુસાફરો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા.
અમદાવાદ શહેરમા ંકોરોનાના વધતા જતા કેસોને ધ્યાને લઇને હવે મ્યુનિ.તંત્ર કોરોના સંક્રમણના તમામ સંભવિત સ્થળો પર રેપિડ ટેસ્ટિંગની કામગીરી કરી રહ્યું છે. એસ.ટી.બસોના મુસાફરોનું ટેસ્ટિંગ હાથ ધરાયા બાદ હવે ટ્રેનોમાં આવતા મુસાફરોનું પણ ટેસ્ટિંગ કરવાનું નક્કી કરાયું છે.
જે અંતર્ગત સોમવારે અમદાવાદ રેલવે સ્ટેશન પર વિશાળ સામિયાણો બાંધીને મુસાફરોના કોરોના ટેસ્ટની કામગીરી મોટાપાયે પુરજોશમાં હાથ ધરાઇ હતી. ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી આવેલા 519 મુસાફરોના ટેસ્ટિંગ કરાયા હતા. જેમાંથી 3 મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. રાજધાની સ્પેશિયલ ટ્રેનમાં આવેલા 823 મુસાફરોનું ટેસ્ટિંગ કરાયું હતું.
જેમાંથી26 મુસાફરો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. મુઝફ્ફરપુર સ્પેશિયલ ટ્રેનમાં આવેલા 530 મુસાફરોના વારાફરથી રેપિડ એન્ટિજન ટેસ્ટિંગ કરાવાયું હતું. જેમાંથી પણ 4 મુસાફરો પોઝિટિવ મળી આવ્યા હતા. તમામ મુસાફરોને જરૂરી સારવાર માટે કોવિડ-કેર સેન્ટર અને કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
નોંધપાત્ર છેકે દેશભરમાં કોરોનાના કેસ રેકોર્ડબ્રેક રીતે વધી રહ્યા છે. બીજી બાજુ હવે ધીમેધીમે તબક્કાવાર ટ્રેનો પણ ચાલુ થઇ રહી છે. તે સ્થિતિમાં અન્ય રાજ્યમાંથી આવતા મુસાફરો દ્વારા શહેરમાં ફેલાતું કોરોના સંક્રમણ રોકી શકાય તે માટે હવે રેલવે સ્ટેશન પર જ આવતી -જતી ટ્રેનોના તમામ મુસાફરોનું ટેસ્ટિંગ કરવાનું આયોજન મ્યુનિ.તંત્ર દ્વારા કરાયું છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35f1a44
via IFTTT
إرسال تعليق