
અમદાવાદ, તા. 25 સપ્ટેમ્બર, 2020, શુક્રવાર
અમદાવાદમાં જેમ જેમ દિવસો જતા જાય છે, તેમ તેમ કોરોનાનો ભરડો વધુ ને વધુ પક્કડ જમાવતો જાય છે. દરમ્યાનમાં આજે એક જ દિવસમાં સરકારી આંકડા મુજબ વધુ 160 કેસો નોંધાયા છે. જ્યારે ત્રણ દર્દીઓના સારવાર દરમ્યાન જુદી જુદી હૉસ્પિટલોમાં કરૂણ મૃત્યુ નોધાયા છે.
બીજી તરફ કોરોનાને હરાવીને સાજા થયેલા 104 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. મ્યુનિ.ની હદમાં છેલ્લા સાડા છ મહિનામાં નોંધાયેલા કોરોનાના કુલ કેસોનો આંકડો 38616ને આંબી ગયો છે જેમાંથી 1754 દર્દીઓએ સારવાર દરમ્યાન જીવ ગુમાવ્યા છે. બીજી તરફ સાજા થયેલા 27968 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે.
રોગચાળો લંબાતો જાય છે, તેમ તેમ લોકો તો કંટાળ્યા જ છે, ડોક્ટરો અને નર્સો પણ સતત પીપીઇ કીટ પહેરીને એકની એક કામગીરી કરીને થાકવા માંડયા છે. બીજી તરફ રોગચાળો લંબાવાની અને બીજો રાઉન્ડ આવવાની આગાહીઓ લોકોની ચિંતામાં વધારો કરી રહી છે.
દરમ્યાનમાં એક્ટિવ કેસો ફરીથી વધીને 3741 થઈ ગયા છે. પશ્ચિમ ઝોનના નવરંગપુરા, નારણપુરા, સ્ટેડિયમ, પાલડી, વાસણા, નવા વાડજ, રાણીપ, સાબરમતીમાં સૌથી વધુ 686 એક્ટિવ કેસો છે જ્યારે નવા પશ્ચિમના બે ઝોનના થઈને સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા 1241ની થઈ ગઈ છે.
આમ, પશ્ચિમના વિસ્તારોમાં 1927 અને પૂર્વના વિસ્તારોમાં 1814 એક્ટિવ કેસો છે. શહેરના કોઈ વિસ્તારો બાકી રહ્યા નથી એટલું જ નહીં મ્યુનિ.ના કર્મચારીઓ, ઓફિસરો, કોર્પોરેટરોના કેસો વધતા જાય છે.
ઉપરાંત ખાનગી હૉસ્પિટલોના પ્રાઇવેટ બેડ વધારીને 1809 કરી દેવાયા છે. જેમાં દાખલ થયેલા 1512 દર્દીઓ પૈકી 233 આઇસીયુમાં છે, જ્યારે 134 વેન્ટીલેટર ઉપર છે. આ આંકડા દર્શાવે છે કે ગંભીર પ્રકારના કેસોમાં પણ મોટો વધારો થઈ રહ્યો છે.
કયા ઝોનમાં કેટલા એક્ટિવ કેસો વધ્યા ?
પશ્ચિમ ઝોન 686, ઉત્તર પશ્ચિમ ઝોન 635, દક્ષિણ પશ્ચિમ ઝોન 606, દક્ષિણ ઝોન 560, પૂર્વ ઝોન 541, ઉત્તર ઝોન 355, મધ્ય ઝોન 358, કુલ 3741
નવા સાત સ્થળ નિયંત્રિત વિસ્તારમાં સમાવાયા
અમદાવાદ,શુક્રવાર
શહેરમાં શુક્રવારના રોજ કોરોના પોઝિટિવ સંખ્યાને ધ્યાનમાં રાખીને નવા સાત સ્થળ નિયંત્રિત વિસ્તારમાં સમાવાયા છે. નવા સમાવાયેલા સ્થળમાં સર્જન ટાવર,ગુરૂકુળના છ બ્લોકના સંક્રમી ફલોરને માઈક્રોકન્ટેઈન્ટ કરાયા છે.સેટેલાઈટના આદેશ એપાર્ટમેન્ટના એ અને બી બ્લોકને,શેલામાં આવેલા સ્ટેનઝાના ડી બ્લોકને નિયંત્રિત જાહેર કરાયા છે.
પાલડીમાં આવેલા શ્રીફળ એપાર્ટમેન્ટના સંક્રમી સ્થળ ઉપરાંત સાયન્સ સીટી રોડ પર આવેલા શ્યામ સ્પર્શ ફલેટના સંક્રમણવાળા ભાગને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.વિરાટનગરમાં સરદાર સોસાયટી અને ઠકકરબાપાનગરના ઉમિયા એપાર્ટમેન્ટના સંક્રમણવાળા ભાગને નિયંત્રિત વિસ્તારમાં મુકવામાં આવ્યા છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/343ozDl
via IFTTT
Post a Comment