અમદાવાદમાં વધુ 159 લોકો કોરોનામાં સપડાયા, બેનાં મૃત્યુ


અમદાવાદ, તા. 22 સપ્ટેમ્બર, 2020, મંગળવાર

અમદાવાદમાં કોરોનાનો રોગચાળો વકર્યો છે કે કાબુમાં છે ? તે અંગે લોકોના અભિપ્રાયો એ સરકાર દ્વારા જાહેર કરાતા આંકડા વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. દરમ્યાનમાં આજે છેલ્લા 24 કલાક દરમ્યાન નવા 159 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમણે સારવાર લેવાનું ચાલુ કર્યું છે. જ્યારે બે દર્દીઓના સારવાર દરમ્યાન કરૂણ મૃત્યુ થયા છે. બીજી તરફ કોરોનાનને હરાવી સાજા થયેલાં 102 લોકોને  ડિસ્ચાર્જ કરાયા છે.

મ્યુનિ.ની હદમાં સવા 6 મહિનામાં કુલ 38140 દર્દીઓ નોંધાયા છે, જેમાંથી 1745 દર્દીઓએ તેમના જીવ ગુમાવ્યા છે. જ્યારે 27665 લોકોએ સાજા થઈને તેમની પૂર્વવત કામગીરી શરૂ કરી દીધી છે. જો કે ગંભીર દર્દીઓનું પ્રમાણ પુન: વધતાં લોકોમાં ભય તો એટલો જ છે.

ખાનગી હોસ્પિટલોના પ્રાઈવેટ બેડમાં દાખલ થયેલાં દર્દીઓ પૈકી આજે 237 આઈસીયુમાં છે, જ્યારે 125 વેન્ટીલેટર ઉપર છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાંથી મૃત્યુના સમાચારો પણ બહાર આવતાં થયા છે. દરમ્યાનમાં સારવાર હેઠળના દર્દીઓ-એક્ટિવ કેસોની સંખ્યા 3575ની થઈ ગઈ છે. જેમાં પાલડી, વાસણા, નવરંગપુરા, નવાવાડજ, નારણપુરા, સ્ટેડિયમ, રાણીપ, સાબરમતી વગેરે વિસ્તારોમાં 646એક્ટિવ કેસો છે.

જ્યારે નવા પશ્ચિમના બે ઝોનના સેટેલાઈટ, થલતેજ, બોડકદેવ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, મક્કતમપુરા, સરખેજમાં 1181 એક્ટિવ કેસો નોંધાયા છે. નદીના પૂર્વ કાંઠાના મધ્યઝોન, ઉત્તર ઝોન, દક્ષિણઝોન, પૂર્વઝોનના  વિસ્તારોના કેસોની સંખ્યા 1748ની થઈ છે. સંપૂર્ણ સાજા થઈને બહાર આવેલાં દર્દીઓ પણ પછીથી કોઈને કોઈ શારીરિક તકલીફથી પીડાતા જોવા મળે છે.

દરમ્યાનમાં શહેરમાં  85 જગ્યાએ તંબુ-પંડાલ બાંધીને ત્યાં રેપિડ-એન્ટિજન ટેસ્ટ કરવાનું ચાલુ કરાયું છે. સૌથી વધુ દક્ષિણ પશ્ચિમઝોનમાં 26, મધ્યઝોનમાં 7, દક્ષિણઝોનમાં  10, પશ્ચિમ ઝોનમાં 14, પૂર્વઝોનમાં 10, ઉત્તરપશ્ચિમઝોનમાં 10 એ ઉત્તર ઝોનમાં 8 તંબુ બંધાયા છે. તમામના સમય અલગ અલગ છે. જો કે આ અંગે વિધિવત જાહેરાત કરાઈ નહીં હોવાથી સાંજના ખાલી તંબુમાં વાંદરા ટેબલ પર ગોઠવાઈ ગયા હોય તેવા વિડીયો ફરતા થયા છે.

ત્રણ ટ્રેનમાં 24 મુસાફરો કોરોના પોઝિટિવ નીકળ્યા

અમદાવાદ,મંગળવાર

કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે રાજધાની એકસપ્રેસ ટ્રેનમાં આવેલા 695 મુસાફરોના ટેસ્ટ થતાં 11 મુસાફરો,મુઝફરપુર એકસપ્રેસના 332 મુસાફરોના ટેસ્ટ કરવામાં આવતાં 8 મુસાફરો જયારે ગોરખપુર એકસપ્રેસના 373 મુસાફરોના ટેસ્ટ કરાતા પાંચ મુસાફરો કોરોના પોઝિટિવ મળતા કુલ1400 મુસાફરો પૈકી 24 મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવતા 10ને સાબરમતી રેલવે સ્ટેશન ખાતેના કોવિડ કેર સેન્ટરમાં  સારવાર માટે દાખલ કરી 14 લોકોને હોમ આઈસોલેશનમાં મુકવામાં આવ્યા હતા.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hVQ8n0
via IFTTT

Post a Comment

أحدث أقدم