
અમદાવાદ, તા. 10 સપ્ટેમ્બર, 2020, ગુરૂવાર
અમદાવાદમાં કોરોના વધુ વકરતો જાય છે. નવા કેસો અને સારવાર લઇ રહેલાં દર્દીઓ - એકટિવ કેસોની સંખ્યા વધતી જાય છે. અગાઉ કરતાં ડિસ્ચાર્જનું પ્રમાણ પણ નીચું આવ્યું છે.
અનલોકના કારણે દર્દીઓ વધ્યા છે કે કોમ્યુનિટી સ્પ્રેડિંગનો તબક્કો ચાલુ થઇ ગયો છે, તે અંગે કોઇ સ્પષ્ટતા કરવા તૈયાર નથી. દરમ્યાનમાં આજે એક જ દિવસમાં સરકારી યાદી અનુસાર વધુ 148 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમણે સારવાર લેવાનું ચાલુ કર્યું છે.
જ્યારે ચાર દર્દીઓના સારવાર દરમ્યાન જુદી જુદી હોસ્પિટલોમાં કરૂણ મૃત્યુ થયા છે. બીજી તરફ કોરોનાને માત આપીને સાજા થયેલાં 111 લોકોને જુદી જુદી હોસ્પિટલો અને હોમઆઇસોલેશનમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે.
મ્યુનિ.ની હદમાં અત્યાર સુધીમાં કુલ દર્દીઓની સંખ્યાનો આંક 31303ને આંબી ગયો છે, 1706 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. તેમજ 25844 લોકો સાજા થયા છે. જોકે સાજા થયેલાં લોકો ફરી પણ સંક્રમિત થતાં હોવાની બાબત બહાર આવતાં લોકોની ચિંતામાં વધારો થયો છે.
દરમ્યાનમાં એકટિવ કેસોની સંખ્યા વધીને 3602ની થઇ ગઇ છે. નવા પશ્ચિમ ઝોનના સેટેલાઇટ, થલતેજ, બોડકદેવ, ગોતા, વેજલપુર, ચાંદલોડિયા, ઘાટલોડિયા, ચાંદલોડિયા વિસ્તારોમાં જ 1237 એકટિવ કેસો છે.
પશ્ચિમ ઝોનના વિસ્તારો સાથે આ આંકડો 1864નો થવા જાય છે. હજુ તો બીજો રાઉન્ડ શરૂ થશે, પીક આવશે જેવી ડોકટરો અને વૈજ્ઞાાનિકોની જાહેરાતો સાંભળી લોકોની આંખો પહોળી થઇ જાય છે. દરમ્યાનમાં રેપિડ-એન્ટિજન ટેસ્ટનું રિઝલ્ટ ગણતરીની મિનિટોમાં જ આવી જાય છે, પણ લોકો હવે તેની વિશ્વસનિયતા પર સવાલો ઊઠાવવા માંડયા છે. રેપિડ અને આરટી-પીસીઆરના પરિણામો જુદા આવતાં હોવાનું પણ કેટલાંક કિસ્સામાં જણાયું છે.
નવા 24 સ્થળ નિયંત્રિત જાહેર કરાયા
ત્રણ ટ્રેનમાંથી 28 કોરોના પોઝિટિવ મુસાફરો મળી આવ્યા
રાજધાની એકસપ્રેસમાં મુસાફરી કરી આવેલા વીસ મુસાફરો કોરાના સંક્રમિત
અમદાવાદ, ગુરૂવાર
શહેરમાં ગુરૂવારે નવા 24 સ્થળ કોરોના કેસની સંખ્યાને ધ્યાનમાં રાખી નિયંત્રિત જાહેર કરવામાં આવ્યા છે.શહેરમાં કુલ 374 સ્થળ માઈક્રોકનેટેઈન્મેન્ટમાં મુકાયા છે.કાલુપુર રેલવે સ્ટેશને ત્રણ ટ્રેનમાંથી વધુ 28 કોરોના પોઝિટિવ મુસાફરો મળી આવતા તેમને નજીકના કોવિડ કેર સેન્ટરમાં સારવાર માટે મોકલી અપાયા છે.
શહેરમાં અનલોક-ચારમાં આપવામાં આવેલી વ્યાપક મુકિત બાદ શહેરના ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમના વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે.ગુરૂવારે શહેરના દક્ષિણ ઝોનના છ સ્થળ,ઉત્તર ઝોનના બે,દક્ષિણ-પશ્ચિમ ઝોનના બે સ્થળને નિયંત્રિત વિસ્તાર જાહેર કરાયા છે.મધ્યઝોનમાં બે સ્થળ,પશ્ચિમ ઝોનમાં એક સ્થળ,પૂર્વ ઝોનમાં બે સ્થળ તથા ઉત્તર-પશ્ચિમ ઝોનના કુલ નવ સ્થળને કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈ નિયંત્રિત જાહેર કરવા પડયા છે.
કાલુપુર રેલવે સ્ટેશને ગુરૂવારે રાજધાની એકસપ્રેસના 766 પેસેન્જરોના ટેસ્ટ કરાતા વીસ મુસાફરો પોઝિટિવ મળી આવ્યા છે.મુઝફરપુર એકસપ્રેસના 405 મુસાફરોના ટેસ્ટ કરવામાં આવતા પાંચ મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.જયારે ગોરખપુર એકસપ્રેસના 408 મુસાફરોના ટેસ્ટીંગ થતાં ત્રણ મુસાફરો પોઝિટિવ મળી આવ્યા હતા.કુલ 1579 ટેસ્ટમાં 28 પોઝિટિવ કેસ મળી આવ્યા હતા.
બોડકદેવની કન્સ્ટ્રકશન સાઈટ પર 18 લોકો કોરોના પોઝિટિવ
અમદાવાદ,ગુરૂવાર
શહેરના બોડકદેવ વોર્ડમાં સિંધુ ભવન રોડ પર આવેલી બિનોરી-ત્રણ નામની કન્સ્ટ્રકશન સાઈટ પર કામ કરતા 18 જેટલા શ્રમિકો અને સ્ટાફ ટેસ્ટીંગ સમયે કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.આ પૈકી 12 એ સિમ્પટોમેટીક હોવાથી તેમને સમરસ કોવિડ કેર સેન્ટરમાં સારવાર માટે દાખલ કરાયા છે.જયારે અન્ય છ ને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.સાઈટના 219 લોકોને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33cktby
via IFTTT
إرسال تعليق