અમદાવાદના નવા સિમાંકન સામે આવેલાં 145થી વધુ વાંધા-સૂચનો


અમદાવાદ, તા. 21 સપ્ટેમ્બર, 2020, સોમવાર

અમદાવાદ મ્યુનિ. સહીત છ મ્યુનિ. કોર્પોરેશનોની નવેમ્બરના અંતમાં યોજાનારી ચૂંટણી અંગે રાજ્યનું ચૂંટણી પંચ તડામાર તૈયારીમાં પડયું છે. અમદાવાદના નવા સિમાંકન અને અનામત બેઠકોની બાબતની જાહેરાત સામે મગાવવામાં આવેલાં વાંધાસૂચનોની પ્રથમ સુનાવણી આવતી કાલ મંગળવારે ઓનલાઇન થનાર છે.

અત્યાર સુધીમાં 145 જેટલાં વાંધા આવ્યા હોવાનું જાણવા મળે છે. આમાંથી ભાગ્યે જ કોઈ સ્વીકારાશે તેમ જણાય છે. સુનાવણીમાં રાજકિય પક્ષોના એક-એક આગેવાનોને હાજર રહેવા જણાવાયું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર હાલ 192 કુલ કોર્પોરેટરો 48 વોર્ડના છે. તેમાંથી ભાજપના 140 અને 48 કોંગ્રેસના છે. કોરોનાની મહામારીનો ભોગ બનેલાં બંને પક્ષના એક-એક કોર્પોરેટરોના મૃત્યુ થતાં તે જગ્યાઓ ખાલી પડી છે. જ્યારે અતુલ પટેલ અને ગીતાબેન પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડયો છે, પણ વિધીવત ભાજપમાં જોડાયા નથી.

ઉપરાંત ભાજપના એક કોર્પોરેટર પુલકીત વ્યાસને પક્ષમાંથી સસ્પેડ કરાયા છે પણ કોર્પોરેટર તરીકે હાલ ચાલુ છે. આ ચિતાર વચ્ચે ચૂંટણી પંચે 50 ટકા મહિલા બેઠકો ઉપરાંત અનુસૂચિત 20, અનુસૂચિત આદિજાતી-2 અને ઓબીસી 19 મળીને કુલ 41 બેઠકો અનામત જાહેર કરી છે. જેના કારણે 41 કોર્પોરેટરો કપાશે તેવું લગભગ નક્કી થઈ ગયું છે.

ઉપરાંત ભાજપના કેટલાંક નામો ભ્રષ્ટાચારના કારણે, કેટલાંક વધુ ઉંમરના કારણે, કેટલાંક ચાર-પાંચ ટર્મથી ચૂંટાતા હોય તેમને બદલવાનું નક્કી થાય તો તે સાથે 60 થી 70 કોર્પોરેટરો કપાશે અને તેટલાં નવા ચહેરા આવશે. જે કોર્પોરેટરો 41 અનામત જગ્યાના કારણે કપાઈ રહ્યાં છે. કેટલાંકે તેમના વાંધામાં એવી રજૂઆત કરી છે કે અમુક વિસ્તાર આ વોર્ડમાંથી ખસેડી બાજુના વોર્ડમાં જોડો.

કેટલાંક લઘુમતિ વિસ્તારો દાણીલીમડા, બહેરામપુરા, મક્કતમપુરામાં ચારેચાર સામાન્ય બેઠકો થઇ ગઇ છે. ત્યાં એકાદ પછાત વર્ગના કોર્પોરેટર ચૂંટાતા હતા તે પણ હવે ચૂંટાઇ શકશે કે નહીં તે પ્રશ્ન છે. જો કે ભાજપના મોવડીઓએ ખૂબ જ ઝીણું કાંતીને, પાછળની પાંચ ચૂંટણીનો અભ્યાસ કરીને વોર્ડ રચના કરી હોવાથી તેમાં ફેરફારને અવકાશ દેખાતો નથી.

બીજી તરફ મુખ્ય વિપક્ષ કોંગ્રેસને જાણે કે કશી પડી જ નથી તેવો માહોલ છે. શહેરના તુટેલા રોડ, કોરોના ઉપરાંત ચિકનગુનિયા- ડેન્ગ્યુનો રોગચાળો, ગંદકી, પાણીમાં આવતું પ્રદુષણ, ઉભરાટી ગટરો, વેપારીઓને હેરાનગતિ જેવા તમામ પ્રશ્ને મૌન છે. જોકે કોરોનાના પ્રકોપ વચ્ચે ચૂંટણી યોજી શકાશે નહીં તે જ સૌથી મોટો પ્રશ્ન છે.

કોરોનાના પ્રકોપ વચ્ચે ચૂંટણી યોજી શકાશે કે નહીં તે પ્રશ્ન

અમદાવાદ ઉપરાંત રાજકોટ, સૂરત, વડોદરા, જામનગર, ભાવનગર મ્યુનિ. કોર્પોરેશનોની ચૂંટણીઓ સાથે જ યોજનાર છે. સૂરત, રાજકોટ, જામનગરમાં કોરોનાએ એ હદે ભરડો લીધો છે કે લોકો બૂમ પાડી ગયા છે. કોરોના ઝડપથી કાબુમાં આવી જાય તેવા કોઇ ચિહ્ન દેખાતા નથી. કોરોના વચ્ચે ચૂંટણી યોજાય અને ઉચ્ચવર્ગ મતદાન કરવા નીકળે નહીં તો ભાજપ સામે જ સમસ્યા ખડી થાય.

ઉપરાંત નવેમ્બરના અંતમાં ચૂંટણી કરવી હોય તો ઓકટોબરની 15મી આસપાસ તેની જાહેરાત કરી દેવી પડે. આમ 'રાત નાની અને વેશ ઝાઝા' છે એટલે હજુ પણ ચૂંટણી જો અને તો વચ્ચે અટવાયેલી છે. જો કે ચૂંટણી પંચ તો તેની રીતે તમામ પ્રકારની પ્રક્રિયા પુરી કરવામાં લાગેલું છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33OJiKT
via IFTTT

Post a Comment

أحدث أقدم