
અમદાવાદ, તા. 8 ઓગસ્ટ 2020 શનિવાર
શહેરના નારોલમાં પીરાણા રોડ પર આવેલા નંદન એક્ઝિમમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ફાયર વિભાગની 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે હાજર છે.
ફાયર વિભાગ દ્વારા સવારે આશરે 8.30ની આસપાસ આગ બુઝાવી દેવામાં આવી છે. આ કંપનીમાં રાખેલો તમામ માલસામાન બળીને ખાખ થઇ ગયો છે. આ ભીષણ આગમાં કોઇ જાનહાનિના સમાચાર આવ્યા નથી પરંતુ એક જવાન ઇજાગ્રસ્ત બન્યો છે.
આ દુર્ઘટનાની જાણ થતા જ સીએફઓ દસ્તુર, ડેપ્યુટી સીએફઓ મિસ્ત્રી તેમજ ખાડિયા, જમાલપુર અને અસલાલી ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે હાજર થઇ ગયા હતા.
આ દુર્ઘટનામાં એક ફાયર જવાન જ્યારે ફેક્ટરીની અંદર પ્રવેશતો હતો તે દરમિયાન જ તેની ઉપર પતરૂ પડતા તેને ઇજા પહોંચી હતી. તે ફાયર જવાન ઘાયલ થતા એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. નંદન ડેનિમ કંપની ચીરીપાલ ગ્રુપની છે.
નોંધનીય છે કે, ગત ફેબ્રુઆરી મહિનામાં નારોલ ખાતે ચીરીપાલ ગ્રુપની નંદન ડેનિમ એક્ઝિમમાં મોડી રાત્રે લાગેલી આગમાં કુલ સાત લોકોના મોત થયા હતા. આગના બનાવમાં મોતને મામલે સ્થાનિક પોલીસે ચીરીપાલ ગ્રુપ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.
કંપનીમાં ફાયર સેફટી તેમજ વેન્ટિલેટર નહીં હોવાની ગંભીર બેદરકારીના કારણે મોત નીપજ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતુ. ચીરીપાલ ગ્રુપની નંદન ડેનિમમાં અવારનવાર આગની ઘટના સામે આવતી રહે છે.
રાત્રે લાગેલી આગમાં સાત લોકોના મોત થયા હોવાથી મોટો વિવાદ થયો હતો. મૃતકોના પરિવારજનોએ તેમના સ્વજનોના મૃતદેહ નહીં સ્વીકારવા જણાવ્યું હતુ કે, કંપની વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરો. જે બાદ કોર્પોરેશને આ બાબતે પગલાં લેતા યુનિટને પરમેનન્ટ ક્લોઝર નોટિસ ફટકારી હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PCjyLb
via IFTTT
إرسال تعليق